દીપાવલી મહાપર્વ છે. અનેક સંપ્રદાયોના લોકો આ પર્વ પર ધનપ્રાપ્તિ માટે લક્ષ્મીની સાધના કરે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી પાંચ દિવસ ચાલતું પર્વ લક્ષ્મીની શાશ્વત કૃપાપ્રાપ્તિ માટે ઊજવવામાં આવે છે. આ પાંચ દિવસ દરમિયાન મા લક્ષ્મીની જે પૂજા કરે છે, મા લક્ષ્મીની તેના પર જન્મ જન્માંતર સુધી કૃપા બની રહે છે.
આ પ્રસંગ પર શાસ્ત્ર સંમત નીચે જેવા કેટલાક ઉપાયો યોજવામાં આવે તો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
દીપાવલીના પૂજન વખતે મા લક્ષ્મીની એક જૂની તસવીર પર મહિલાઓએ સ્વહસ્તે સંપૂર્ણ સૌભાગ્ય (સુહાગ)ની સામગ્રી અર્પણ કરવી. આગલા દિવસે સ્નાન, પૂજા કરી આ સામગ્રીને મા લક્ષ્મીનો પ્રસાદ માની જાતે પ્રયોગ કરવો તથા મા લક્ષ્મીને પોતાના નિવાસસ્થાને સ્થાપી વાસ કરવાની પ્રાર્થના કરવી. આનાથી લક્ષ્મીની કૃપા મળે છે.
આર્થિક સ્થિતિમાં ઉન્નતિને માટે દીપાવલીની રાતે શ્રીસૂક્તનો પાઠ કરવો. શક્ય હોય તો રાત્રે લાલ વસ્ત્ર ધારણ કરીને લાલ આસન પર બેસી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની તસવીર સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. શ્રીસૂક્તના અગિયાર વખત પાઠ કરવા. પછી હવનકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરી શ્રીસૂક્તની દરેક ઋચા સાથે આહુતિ આપવી. તે પછી થોડુંક જળ આસન નીચે અને તે જળને માથા પર ચઢાવવું. દીવો આકાશ તરફ ધરી લક્ષ્મીને પોતાના ઘરની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી. દરેક માસની સુદ પક્ષની પાંચમે શ્રી સૂક્ષ્મથી હવન કરવો.
માતા લક્ષ્મી વિષ્ણુપ્રિયા છે. દીપાવલીના પૂજન વખતે શ્રીગણેશ-લક્ષ્મીની સાથે વિષ્ણુ ભગવાનની પણ સ્થાપના કરવી. લક્ષ્મીજીની ડાબી બાજુએ વિષ્ણુ ભગવાનને તથા જમણી બાજુએ ગણેશજીને મૂકવા.
આ દિવસો દરમિયાન પીપળાના વૃક્ષમાંથી અખંડિત પાન પ્રાર્થના કરી તોડી લાવી તેને પૂજાસ્થાનમાં મૂકવાં. દરેક શનિવારે આ પ્રક્રિયા યોજી શકાય. ભેગા થતાં પાન પીપળાના વૃક્ષની નીચે મૂકવાં. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો સ્થિર વાસ થશે.
દક્ષિણાવર્તી શંખ, મોતી શંખ, કુબેર પાત્ર, ગોમતી ચક્ર લાવી જે તે પોતાની બહેનો કે ભાઈઓને આપવો. આ બધી માતા લક્ષ્મીજીની પ્રિય વસ્તુઓ ઘરમાં રાખવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
દીપાવલીની રાત્રે પૂજન પછી લક્ષ્મીની આરતી કરવી નહીં. શ્રીસૂક્ત, લક્ષ્મીસૂક્ત, પુરુષસૂક્ત વગેરેનો પાઠ કરી શકાય. આખી રાત દરમિયાન લક્ષ્મીનું આહ્વાન કરવું જોઈએ.
લક્ષ્મીપૂજન કરતી વખતે 11 કોડિયો ગંગાજળ વડે ધોઈને તે લક્ષ્મીજીને અર્પણ કરવાં અને તેના પર હળદર, કુમકુમ (કંકુ) લગાડવું. તે પછી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવું. આનાથી આવકમાં વૃદ્ધિ થાય છે.
હળદરથી રંગેલા કપડાના એક ટુકડામાં એક મુઠ્ઠી નાગકેસર, એક મુઠ્ઠી ઘઉં, હળદરની એક ગાંઠ, તાંબાનો એક સિક્કો, એક મુઠ્ઠી આખું મીઠું અને તાંબાની નાની ચરણપાદુકાઓ બાંધીને રસોડામાં તે લટકાવવું. તેનાથી અન્નપૂર્ણાની પણ કૃપા પ્રાપ્ત થાય છે તથા પારિવારિક કલહ દૂર થાય છે.
દીપાવલી પર્વ પાંચ પર્વો મળીને બને છે. ધનતેરસ, નરક ચતુર્દશી, દીપાવલી, ગોવર્ધન પૂજા તથા યમ દ્વિતીયા. આ પાંચેય દિવસો દરમિયાન સંધ્યા સમયે ઘરમાં પાંચ દીપક પ્રગટાવવા. આ દીપક સીધા જમીન પર ન મૂકવા તેની નીચે આસન અવશ્ય પાથરવું. પ્રથમ થોડા ચોખાનું ખામણું કરી તેના પર આ દીપક મૂકવા.
નરક ચતુર્દશીની સંધ્યા સમયે ઘરની પશ્ચિમ દિશામાં ખુલ્લી જગ્યાએ અથવા છતની પશ્ચિમમાં 14 દીપકો પૂર્વજોના નામથી પ્રગટાવવા. પૂર્વજોના આશીર્વાદથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
દીપાવલીના દિવસે કોઈ ગરીબ અખંડ સૌભાગ્યવતી મહિલાને સુહાગની સામગ્રીનું દાન કરવું. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
દીપાવલીના દિવસે નવાં ઝાડુ ખરીદી લાવવાં. પૂજન કરતાં પહેલાં તે જગ્યાએ સાફસફાઈ કરી લેવી. પછી આ ઝાડુ એક બાજુ મૂકી દેવાં. દરરોજ આ પ્રયોગ કરવો. આનાથી દરિદ્રતા દૂર ભાગશે અને લક્ષ્મીનું આગમન થશે.
લક્ષ્મીજીને ઘરમાં બનાવેલ ખીરનો ભોગ ધરવો. બજારની મીઠાઈનો ભોગ ધરાવવો નહીં.
પૂજનસ્થળ પર આંબા કે આસોપાલવનાં પાનનું તોરણ બાંધવું. વડનાં પાંચ તથા અશોક વૃક્ષનાં ત્રણ પાન પણ લાવવાં. વડનાં પાન પર હળદર મિશ્રિત દહીંથી સ્વસ્તિક બનાવવો તથા અશોકના પાન પર `શ્રી’ શબ્દ લખવો. પૂજામાં આ પાન રાખવાં. પૂજા પછી તે ધન રાખવાના સ્થાને મૂકવાં.
પૂજામાં લક્ષ્મીનાં ચરણોમાં એક લાલ તથા એક સફેદ અકીક પથ્થર મૂકવો. આ બંનેના યોગ થકી ચંદ્ર-મંગળ લક્ષ્મીયોગ સર્જાય છે. પૂજા થકી આ અકીકો પોતાના પાકીટમાં મૂકવા.