સ્વીડનના ઓરેબ્રો શહેરની એક શાળામાં મંગળવારે ગોળીબારની ઘટના બની છે, જેમાં 5 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ બધા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમની ઈજાઓની ગંભીરતા વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કહ્યું છે કે ખતરો હજુ ટળ્યો નથી અને લોકોને શાળાથી દૂર રહેવા અપીલ કરી છે.
વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા
વિદ્યાર્થીઓને નજીકની સલામત ઈમારતોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. હિંસા બાદ શાળાના અન્ય ભાગો ખાલી કરાવવામાં આવ્યા હતા. ગોળીબાર બાદ એમ્બ્યુલન્સ, ફાયર ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. ગોળીબારનું કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પુખ્ત શિક્ષણ કેન્દ્ર સ્ટોકહોમથી લગભગ 200 કિમી (125 માઇલ) પશ્ચિમમાં આવેલું છે.
પોલીસે આપ્યું આ નિવેદન
ફાયરિંગમાં 5 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ હુમલાની તપાસ ‘હત્યાનો પ્રયાસ, આગ લગાડવા અને ગંભીર હથિયારના ગુના’ હેઠળ કરવામાં આવી રહી છે, પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે એમ પણ કહ્યું કે હુમલાના કારણો અને ઘાયલોની સ્થિતિ વિશે વધુ વિગતો હજુ ઉપલબ્ધ નથી, પરંતુ તપાસ ચાલુ છે.
સરકાર ઘટના પર નજીકથી નજર રાખી રહી છે: ન્યાય મંત્રી
ઓરેબ્રોમાં હિંસાના અહેવાલો ખૂબ જ ગંભીર છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર પોલીસ સાથે ગાઢ સંપર્કમાં છે અને ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે, તેવું ન્યાય પ્રધાન ગુન્નર સ્ટ્રોમરે જણાવ્યું છે


