ગુજરાતમાં આરાસુર પર્વત પર વૈશ્વિક શક્તિ અને સર્વોપરી તાકાતનું પ્રતિનિધિત્વ-પાવર અને સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનાર અદૃશ્ય શક્તિ બિરાજમાન છે અને આ અદૃશ્ય શક્તિનું નામ છે મા આરાસુરી અંબાનો ગોખ અને તેનું વીસા યંત્ર. અહીં મા જગદંબા સ્વયં બિરાજમાન છે અને ગામનું નામ છે અંબાજી.
એવું કહેવાય છે કે અહીં આવેલું મા અંબાના ગોખમાં રહેલું વીસા યંત્ર સમગ્ર જગત,બ્રહ્માંડ અને વિશ્વપ્રસિદ્ધ વિભૂતિઓનું સંચાલન કરે છે. 51 શક્તિપીઠમાંની એક અદ્ભુત શક્તિપીઠ એટલે અંબાજી. માયથોલોજી અનુસાર આ મંદિર 1200 વર્ષ પુરાણું છે અને અહીં દેવી સતીનું હૃદય પડેલું છે. અંબાજી ગામમાં આવેલા ગબ્બર પર્વત પર આજે પણ માતાના રથ અને તેમનાં પદચિહ્નો દેખાય છે. મા અંબાના ગોખ અને ગબ્બરના પર્વત પર સદીઓથી અખંડ જ્યોત પ્રજ્વલિત થયેલી છે.
1988 ભાદરવા મહિનામાં 200 કિલોમીટરના અંતરમાં માત્ર 29 કેમ્પ અને 5 લાખ પદયાત્રીઓની સંખ્યા. 1998ની સાલમાં 765000 પદયાત્રીઓ અને 124 કેમ્પ, ઈ.સ. 2007 ની સાલમાં 22 લાખ પદયાત્રી અને 265 કેમ્પ અને 12 સપ્ટેમ્બર, 2011ની સાલનો અખબારી આંકડો 28 લાખ પદયાત્રીઓ, 35 હજાર ધજાઓ અને 35 હજાર કિલો મોહનથાળના પ્રસાદનું વિતરણ અને હવે વાત કરીએ ઈ.સ. 2023ની સાલની કે જ્યાં અગાઉના તમામ રેકર્ડ્સ બ્રેક થઇ ગયા. 2023માં 48 લાખ પદયાત્રીઓ અને અમદાવાદથી અંબાજી વચ્ચે નાના-મોટા થઈને 432 કેમ્પ અને 570 રથ. આ આંકડાઓ જ મા અંબા અને વીસા યંત્રની તાકાતનાં દર્શન કરાવે છે.
બોલ મારી અંબે જય જય અંબે,
અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ. જેની હારે(સાથે) અંબાજી ઈ જીતે જિંદગીની બાજી,
ખેતરમાં ભેંડો અંબાજી હેંડો…
ઊંચો રહે ભારતનો ઝંડો અંબાજી હેંડો.
આવા અને અસંખ્ય નારા ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂર્ણિમા દરમિયાન ગુજરાતના દરેક રસ્તા પર આરાસુરી અંબાજીમાની પદયાત્રાએ જઈ રહેલા પદયાત્રીઓના મુખે સાંભળવા મળે છે. મનમાં ધર્મ, શરીરમાં શ્રમ અને કર્મની હામ સાથે હૃદયમાં મા અંબાની શ્રદ્ધાને સાર્થક કરવા કોઈ પદયાત્રી સુરત તો કોઈ મહારાષ્ટ્રના ધુલિયા કે નાગપુરથી આવે. ભાદરવી પૂર્ણિમાના પદયાત્રીઓની વચ્ચેથી તમે પસાર થાઓ તો તમને મા અંબાની શ્રદ્ધા અને શ્રમના સમન્વયનાં અજીબોગરીબ દૃશ્યો જોવા મળે. એંસી વર્ષના કાકાની ચાલવાની ઝડપ પાસ્તા અને પિઝા ખાતા આજના યુવાનોની ઐસીતૈસી કરી નાખે. અમુક શ્રદ્ધાળુઓ તો પેટના બળે સૂતાં સૂતાં બસો કિલોમીટર કાપી માના દ્વારે પહોંચે. ચીઝ, પનીર અને બટરના અસીમિત થર ભલે શરીર પર જામ્યા હોય, પરંતુ મનમાં માનેલી માનતા અને અંબાની આસ્થા લઈ છેક અમેરિકા અને લંડનથી આવતા એન. આર. આઈ.ને જોઈને લાગે જ કે મા અંબાની ભૂમિમાં ચુંબકીય તાકાત અને સમગ્ર સંસારને ચલાવવાની શક્તિ છે.
આરાસુરી મા અંબાનો આરાસુર શબ્દ ‘આરાસુર સૈકર’ શબ્દ પરથી બન્યો છે. આરા એટલે આર્ય અને સૈકર એટલે શિખર. સદીઓ પહેલાં નાગ જાતિ અને આર્યો જગદંબાની ભક્તિ કરતા ત્યારે આરાસુર શબ્દ આર્યશિખર તરીકે ઓળખાતો હતો. 11મી સદીમાં આરાસણનગર અંબિકાનગર તરીકે પ્રચલિત થયું. એટલે કે આજનું અંબાજી અને તંત્ર ચુડામણી અનુસાર 51 શક્તિપીઠમાંની એક શક્તિ પીઠ એટલે અંબાજી.
વિશ્વમાં સૌથી લાંબી બાવન ગજની ધજા સાથે 30થી પણ વધુ વાર પદયાત્રાનું આયોજન કરનારા જાણીતા સંઘના એક માઈભક્ત પોતાની પદયાત્રાનો એક ચમત્કારિક કિસ્સો ટાંકી કહે છે કે, તેમની 12મી પદયાત્રા દરમિયાન કાદરપુર ગામની બાજુમાંથી પસાર થતી વખતે મધમાખીઓનું ઝુંડ ત્રાટકેલું. કેટલાય પદયાત્રીઓના શરીર પર મધમાખીઓ બેસવા લાગેલી. બરાબર આ સમયે જ શ્રદ્ધાળુ આયોજકોએ પદયાત્રીઓને એક જ જગ્યાએ સ્થિર ઊભા રહી મા અંબાના નારા લગાવવાનો આદેશ આપ્યો અને માતાનો ચમત્કાર તો જુઓ, ઘડી બે ઘડીમાં આ તમામ મધમાખીઓનું ઝુંડ પાછું વળી ગયેલું. અન્ય એક પદયાત્રી 1992ના મેઘતાંડવને યાદ કરી માની શક્તિના પરચાની વાત કરે છે. 10મી સપ્ટેમ્બર, 1992ની સાલમાં ઉત્તર ગુજરાતના મહેકુબપુરા ગામે કેડસમા પાણીમાં ગામના યુવાનોએ હજારો પદયાત્રીઓને પોતાના ખભા ઉપર બેસાડી અગર જાડા રાંઢવા(દોરડા)ના સહારે અડધો કિ.મી. પ્રવાહમાંથી સાંગોપાંગ બહાર કાઢેલા અને આ યુવાનોએ નદીના પુરમાંથી લોકોને મદદ કરતી વેળાએ જય અંબેના નારા જ લગાવેલા.
ભક્તિ અને આસ્થાના દર વર્ષે ઊભરાતા આ માનવ ઘોડાપુર પાછળ કુદરતના કહેર સામે મા અંબાની મહેરની અદ્ભુત વાત છે. વર્ષો પહેલાં પ્લેગ નામની અસાધ્ય બીમારીએ જ્યારે માનવજાતને ભરડામાં લીધેલી ત્યારે અમદાવાદના શ્રેષ્ઠી હઠીસીંગે મા અંબાનાં દર્શને ચાલતા જવાની બાધા લીધેલી. આજથી 193 વર્ષ પહેલાં 51 બ્રાહ્મણોએ શરૂ કરેલી પદયાત્રા આજે 48 લાખ સુધી પહોંચી તે માનો ચમત્કાર અને શ્રદ્ધા નહિ તો બીજું શું?
જગતજનની આરાસુરી મા અંબાને બે હાથ જોડી પ્લેગના હાહાકારમાંથી મુક્ત કરવા હૃદયપૂર્વક વિનવણી કરેલી અને મા અંબાએ ચમત્કાર સર્જી પોતાનાં વહાલાં બાળકોને પ્લેગ નામની મહામારીમાંથી મુક્ત કરી દીધાં. મા અંબાના ઉપકાર અને અનુગ્રહના પ્રતિસાદ રૂપે ભક્તોએ દર ભાદરવા મહિનામાં પગપાળા ચાલી આરાસુરી મા અંબાનાંદર્શન કરવાની ટેક લીધી અને તેના પરિપાકરૂપે માનું ઋણ ચૂકવવા અમદાવાદના લાલદંડાવાળા સંઘે આજથી 193 વર્ષ પહેલાં પગપાળા સંઘની શરૂઆત કરેલી. પિતાંબર ધારણ કરી માની ધજાની સાથે સમગ્ર રસ્તા પર પદયાત્રાની પવિત્રતા જાળવતો લાલદંડાવાળો સંઘ સૌથી જૂનો સંઘ છે. ગુજરાત અને ગુજરાતની બહારથી આવતા સંઘોમાં વ્યાસવાડી પગપાળા સંઘ પોતાની 1251 ગજની ધજાના કારણે આગવું સ્થાન ધરાવે છે, કારણ કે આ એક પ્રકારની નોંધનીય વિશ્વસિદ્ધિ છે. અન્ય એક પ્રચલિત કથા મુજબ ભાદરવા મહિનામાં પદયાત્રાનું કારણ નોરતાં દરમિયાન માત્ર પોતાના ઘેર પધારવાનું આમંત્રણ આપવાનું છે.
આ પદયાત્રામાં કોઈ ભૂખ્યું કે તરસ્યું રહેતું નથી. આશરે 600થી વધુ ખાણીપીણી અને ભોજનના કેમ્પ, પાણી, દવાઓ વિના મૂલ્યે મળે છે. કહેવાય છે કે અન્નદાન સૌથી મોટું દાન છે. ભાદરવી પૂનમના મેળાની શરૂઆત 12 સપ્ટેમ્બરે (ભાદરવા સુદ નોમ) થશે અને તા. 18 સપ્ટેમ્બર (ભાદરવા સુદ પૂનમ)ના રોજ દબદબાપૂર્વક પૂર્ણ થશે.
મંદિરમાં કોઈ દેવીની મૂર્તિ નહીં, પરંતુ વીસા યંત્રની સ્થાપના કરેલી છે. ઉપરાંત આ વીસા યંત્રની સ્થાપના એક ગોખની અંદર કરેલી છે તેની જાણ બહુ ઓછા લોકોને છે. આ યંત્રમાં એકાવન અક્ષરો છે અને યંત્રની બનાવટમાં શુદ્ધ સોનાનો ઉપયોગ કરાયો છે. મંદિરના પૂજારી ગોખના યંત્રનો શણગાર અને પૂજા આંખે પાટા બાંધીને કરે છે, કારણ કે પૂજા દરમિયાન ખુલ્લી નજરથી જોવાનો નિષેધ છે. બંધ આંખોથી કરેલી પૂજા અને શણગાર બાદ પણ માતાજીની સાક્ષાત્ મૂર્તિ હોવાના અદ્દલ દર્શન એ માતાજીનો કમાલ નહીં તો બીજું શું?
અંબાજીની સ્થાપત્ય કળામાં ઈ.સ. 1192માં વડનગર ગામમાં આવેલા સોમપુરા અને પરમાર વંશના જશપાલજીનો ફાળો અદ્ભુત હતો. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવે સતીના શબના જે બાવન ટુકડા કર્યા તેમાંથી 51 શક્તિપીઠો બની અને બાવન ટુકડા પૈકી હૃદયનો ભાગ અંબાજીમાં પડ્યો. આથી આ સ્થળ આદ્ય શક્તિપીઠ તરીકે પ્રચલિત બન્યું. યંત્ર પર અંગ રચનાની પૂજા દિવસમાં ત્રણવાર થાય છે. 3 પૂજા દરમિયાન જુદાં અલંકારો અને વસ્ત્રો એટલાં આબેહૂબ હોય છે કે સવારે મા જગદંબા બાળસ્વરૂપ, બપોરે યુવા સ્વરૂપ અને સાંજે પ્રૌઢા સ્વરૂપમાં દેખાય છે. રવિવારે વાઘના વાહન પર, સોમવારે નંદીનું, મંગળવારે સિંહનું, બુધવારે હાથી, ગુરુવારે ગરુડ, શુક્રવારે હંસ અને શનિવારે નીચી સૂંઢના હાથીનો માતાની સવારી તરીકે ઉપયોગ થાય છે.
અંબાજી મંદિર દાંતા સ્ટેટની માલિકીનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે મકરસંક્રાતિ 1958ના દિવસે મંદિરનો કબજા પાલનપુરના પ્રાંત ઑફિસરને સોંપેલો, અત્યારે તેના તમામ વહીવટ ટ્રસ્ટ અને બનાસકાંઠા કલેક્ટરના હસ્તક છે.