- હાઈવે ઓથોરિટી, મામલતદારની ટીમે કાર્યવાહી હાથ ધરી 40ને નોટીસ ફટકારી
- રોડ સલામતીના નિયમોના થતા ઉલ્લંઘ તેમજ અકસ્માતો નિવારવા તંત્રની તવાઈ
- લોકોને નોટીસો આપતા કેટલાય લોકોની રોજગારી સામે પણ પ્રશ્નાર્થો સર્જાયા છે
સાયલા નેશનલ હાઇવે પર બન્ને બાજુના સર્વીસ રોડની નજીક સર્જાયેલા દબાણોના રાફ્ડાને લઇ જિલ્લા કલેકટરની સુચના અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ હાઇવે ઓથોરીટી, મામલતદાર સહીત ની ટીમોએ કાર્યવાહી હાથ ધરતા 40 દબાણકર્તાઓને નોટીસ ફ્ટકારી સત્વરે જમીન ખુલ્લી કરવાની તાકીદ કરતા નાના મોટા ધંધાર્થીઓમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો. બાયપાસથી લઇ સર્વીસ રોડ જયાં પુરો થાય છે. ત્યાં સુધી બન્ને તરફ્ ખડકાયેલા દબાણોથી રોડ સલામતીના નિયમોના થતા ઉલ્લંઘન તેમજ અકસ્માતો નિવારવા કલેકટર દ્વારા અપાયેલ કડક સુચનાને લઇ તંત્ર એકાએક એકશન મોડમાં આવી જતા લારી, ગલ્લા, ગેરેજ, હોટલોના ધંધા ચલાવતા લોકોને નોટીસો આપતા કેટલાય લોકોની રોજગારી સામે પણ પ્રશ્નાર્થો સર્જાયા છે. સાયલા હાઇવેના સર્વીસ રોડ પર માર્ગ સલામતી માટે તંત્ર દ્વારા બન્ને બાજુ ખુલ્લી રાખવાની થતી જરુરી જમીન પર લારી, ગલ્લા સહિતના નાના મોટા ધંધા માટે થયેલા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે ઉચ્ચસ્તરેથી અપાયેલ સુચનાઓને જોતા હાઇવે વિભાગના અધિકારી ઇમ્તિયાઝ ખાન, રવિન્દ્રસિંહ જાદવ, સાયલા મામલતદાર તથા તેમની ટીમ સહીતના કાફ્લાએ આકસ્મિક કામગીરી હાથ ધરી નોટીસો આપતા ધંધાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.


