- T20 વર્લ્ડકપ 2024 યુએસ અને વેસ્ટે ઈન્ડિઝમાં યોજાશે
- 1 મેના રોજ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે
- જાહેર થયેલી ટીમમાં 25 મે સુધી ફેરફાર થઈ શકશે
T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહેશે, ટીમમાં કયા ખેલાડીઓને તક મળશે અને કેપ્ટન કોણ હશે આ સવાલો હવે દરેક ક્રિકેટ પ્રેમીના મનમાં ચાલી રહ્યા છે. IPLની સતરમી સીઝન ભારતમાં T20 વર્લ્ડકપ 2024 પહેલા રમાશે. IPL 2024 22 માર્ચથી શરૂ થશે. IPL 2024 નક્કી કરશે કે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થશે, જેના એક મહિના પહેલા તમામ દેશોએ તેમની ટીમોની જાહેરાત કરવાની રહેશે.
આ દિવસે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે
ICC ટીમની જાહેરાત કરવાની સમયમર્યાદા ટુર્નામેન્ટના એક મહિના પહેલા છે. જે બાદ IPL 2024 દરમિયાન જ T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર, T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયાની તસવીર 1 મે સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે. જો કે ટીમમાં 25 મે સુધી ફેરફાર થઈ શકે છે.
IPL 2024ની ફાઈનલ 26 મેના રોજ રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા અમેરિકામાં યોજાનારા T20 વર્લ્ડકપ માટે રવાના થશે. IPL 2024માં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવશે.
શું ઈશાન કિશનને મળશે તક?
તાજેતરમાં BCCIએ ઈશાન કિશનને તેના નવા સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી બહાર રાખ્યો હતો. જે બાદ BCCIના આ નિર્ણય પર ઘણા સવાલો ઉભા થયા હતા. હવે મોટો સવાલ એ છે કે શું ઈશાન કિશનને T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં તક મળશે. ઈશાન કિશન IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે.
જો આ સિઝનમાં ઈશાનનું પ્રદર્શન વધુ સારું રહેશે તો તેને T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં ચોક્કસપણે તક મળી શકે છે. જો ઈશાન કિશનને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવે છે અને તે પ્લેઈંગ ઈલેવનનો પણ ભાગ છે તો તેની BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મેળવવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જશે.


