ટી20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટઇન્ડીઝની યજમાનીએ રમાયો હતો, જ્યાં રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે ખિતાબ જીત્યો હતો. આ વખતે ટીમ ઈન્ડિયા સુર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ ટાઇટલનું રક્ષણ કરવા ઊતરશે. આ દરમ્યાન તેમની ટક્કર પાકિસ્તાન સાથે પણ થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત જલ્દી કરવા જઇ રહી છે.
ટી20 વર્લ્ડ કપ 2026ના શેડ્યૂલની જાહેરાત ક્યારે?
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મંગળવારે (25 નવેમ્બર) ટી20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કરવા જઈ રહ્યું છે. આ જાહેરાત ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગ્યે થશે. રિપોર્ટ્સ અનુસાર, આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમને પાકિસ્તાન, અમેરિકા, નેધરલેન્ડ અને નામીબિયા સાથે ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. આ દરમિયાન તેનો પાકિસ્તાન સાથેનો મુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં થઈ શકે છે. તે સિવાય ટીમ ઈન્ડિયા તેના બાકી બધી મેચ ભારતમાં જ રમશે
આ 20 ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ
ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની શક્યતા છે.જે 8 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. યજમાન ભારત અને શ્રીલંકા સિવાય, ટૂર્નામેન્ટમાં ભાગ લેતી 18 ટીમો અફગાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, વેસ્ટઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, ઇટાલી, નેધરલેન્ડ, નામીબિયા, ઝિમ્બાબ્વે, નેપાળ, ઓમાન અને યુએઈ છે.


