ગુજરાતની અનુભવી ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયે છઠ્ઠો ક્રમાંક ધરાવતી રિથ રિશ્યાને હરાવીને યુટીટી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 30 વર્ષીય ક્રિત્વિકાએ 11-8, 8-11, 12-10, 8-11, 14-12ના સ્કોરથી વિજય મેળવીને ગુજરાતની આશા જીવંત રાખી હતી.
રાઉન્ડ ઓફ 32માં બીજી ક્રમાંકિત સ્વસ્તિકા ઘોષ, સુતિર્થા મુખરજી, સયાલી વાણી તથા અહિકા મુખરજી સહિત કેટલીક સ્ટાર ખેલાડીઓને પરાજયનો સામનો કરવો પડયો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ચોથો ક્રમાંક ધરાવતા હરમિત દેસાઇના અભિયાનનો પણ અંત આવ્યો હતો. મેન્સ ડબલ્સની ફઇનલમાં પીબી અભિનંદન અને સુરેશ રાજ (તામિલનાડુ)ની જોડીએ પશ્ચિમ બંગાળના સૌરવ સહા અને અનિકેત સેન ચૌધરીની ટીમને 3-1 (12-10, 4-11, 11-6, 11-7)થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.


