મુંબઇમાં 26-11 આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાની આ મંજૂરી બાદ તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની છે. આરોપી તહવ્વુર રાણા તપાસ દરમિયાન અન્ય નામો અને ષડયંત્રનો ખુલાસો કરશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આરોપી તહવ્વુર રાણા પર 26-11 મુંબઇ આતંકી હુમલામાં માસ્ટર માઇન્ડ ડેવીડ કોલ્ડમેન હેડલીને મદદ કરવાનો આરોપ છે.
ભારત લવાશે આરોપી તહવ્વુર રાણા
તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડાનો નાગરિક છે. જે લોસ એન્જિલ્સના મેટ્રોપોલીટન ડિટેંશન સેંટરમાં બંધ છે. જેના પર પાકિસ્તાની-અમેરિકી આતંકવાદી ડેવિડ કોલ્ડમેન હેડલી સાથે સંપર્ક હોવાનો આરોપ છે. જે 26-11 મુંબઇમાં થયેલી આતંકી હુમલાકર્તામાંનો એક છે. હવે અમેરિકાએ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ મામલે મંજૂરી આપી છે. જેના કારણે હવે હુમલા અંગે વધુ વિગતો બહાર આવી શકે છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે આ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ મામલે જાહેરાત કરી હતી. તહવ્વુર રાણાના પ્રત્યાર્પણથી અન્ય છ નામો પણ બહાર આવશે જેઓ મુંબઇ હુમલામાં સામેલ હતા. અને હાલ તેઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પાકિસ્તાન-કેનેડાના વેપારી તહવ્વુર રાણાને અમેરિકાએ ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. તહવ્વુર રાણા પાકિસ્તાન આર્મીમાં ભૂતપૂર્વ મેડિકલ ઓફિસર હતો. જે વર્ષ 1990માં કેનેડા જતો રહ્યો હતો. અને બાદમાં તેને ત્યાંની નાગરિકતા મળી ગઇ હતી. ડેવિડ કોલ્ડમેન હેડલીને તમામ માહિતી પહોંચાડવાનો આરોપ તહવ્વુર રાણા પર લગાવવામાં આવ્યો છે.
કોણ છે અન્ય 6 આરોપીઓ ?
26-11 મુંબઇમાં થયેલી આતંકી હુમલામાં આરોપી લશ્કર-એ-તૈયબ પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઇદ સહિત 6 આરોપીઓ પાકિસ્તાનમાં ફરી રહ્યા છે. સઇદને વર્ષ 2020માં પાકિસ્તાનમાં 78 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. પરંતુ તે ISI હેઠળ પાકિસ્તનામાં ખુલ્લેઆમ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યો છે. આ ઉપરાંત ઓપરેશન ચીફ ઝાકી-ઉર-રહેમાન લખવીને પણ 2021માં આતંકવાદી ભંડોળ માટે સતત સજા ફટકારવામાં આવી છે. પરંતુ તે પણ સઈદની જેમ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આ ઉપરાંત કમાન્ડર સાજિદ મજીદને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ ભારતીય અધિકારીઓ કહે છે કે તેમનું ઠેકાણું હજુ પણ અજાણ છે. અન્ય ત્રણ શંકાસ્પદોમાં નિવૃત્ત સેના મેજર અબ્દુલ રહેમાન હાશિમ સૈયદ અને બે ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ અધિકારીઓ, મેજર ઇકબાલ અને મેજર સમીર અલીનો સમાવેશ થાય છે. પરંતુ તેમની સામે ક્યારેય કોઈ કેસ દાખલ થયો ન હતો.
26-11 મુંબઇ આતંકી હુમલો
26 નવેમ્બર 2008ના રોજ 10 પાકિસ્તાની આતંકવાદીઓના એક જૂથે અરબી સમુદ્રના દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસણખોરી કરી હતી. આ પછી, એક રેલ્વે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલા કરવામાં આવ્યા. આ હુમલામાં માર્યા ગયેલા 166 લોકોમાં અમેરિકન, બ્રિટિશ અને ઇઝરાયલી નાગરિકોનો સમાવેશ થતો હતો. લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલાએ સમગ્ર દેશમાં આઘાત પહોંચાડ્યો અને ભારત અને પાકિસ્તાનને યુદ્ધની અણી પર લાવી દીધા.


