અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે તેમને ન્યાયનો સામનો કરવો પડશે. ગયા મહિને, યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. કેસ સંબંધિત તમામ કાનૂની દસ્તાવેજો અને વોરંટ જારી કરવામાં આવ્યા છે અને યુએસ અધિકારીઓ સાથે શેર કરવામાં આવ્યા છે. રાજકીય નિર્ણય લેવામાં આવ્યો છે, બંને પક્ષો ફક્ત તારીખ અને સમયની પદ્ધતિ નક્કી કરશે.
તહવ્વુર રાણા મુંબઇ હુમલાનો દોષી
તારીખ નક્કી કરવા માટે વિદેશ મંત્રાલય તેના યુએસ સમકક્ષો સાથે સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયની મંજૂરી મળતાં જ NIA અધિકારીઓની એક ટીમ અમેરિકાની મુલાકાત લેશે. ભારત સરકારને આશા છે કે તહવ્વુર રાણા થોડા અઠવાડિયામાં ભારત પરત ફરશે. ભારત પહોંચતાની સાથે જ તેને ખાસ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તપાસ એજન્સી પૂછપરછ માટે તેની કસ્ટડી માંગશે. પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ હતો અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
કોણ છે તહવ્વુર રાણા ?
મુંબઇ પોલીસે 26-11 આતંકી હુમલા મામલે દાખલ કરેલી ચાર્જશીટમાં તહવ્વુર રાણાના નામનો સમાવેશ કરાયો હતો. તહવ્વુર રાણા પરપાકિસ્તાન એજંસી ઇંટર-સર્વિસેઝ ઇંટેલિજેંસ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય રહેવાનો આરોપ છે. ચાર્જશીટમાં રાણા પર આરોપ લગાવામાં આવ્યો છે કે, તેણે 26-11ના હુમલાનો માસ્ટર માઇંડ ડેવિડ કેલમેન હેડલીની મદદ કરી છે. મુંબઇમાં કયા-કયા સ્થળે બ્લાસ્ટ કરવાના છે તે જગ્યાની રેકી તહવ્વુર રાણાએ કરી હતી. અને નકશો તૈયાર કરીને પાકિસ્તાન મોકલ્યો હતો.
ડેવિડ કેલમેન હેડલીનો બાળપણનો મિત્ર છે રાણા
તહવ્વુર રાણા, ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાનીનો બાળપણનો મિત્ર છે. હેડલી અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન હતી અને પિતા પાકિસ્તાની હતા. ઓક્ટોબર 2009માં, અમેરિકન અધિકારીઓએ તેની શિકાગોથી ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરી 2013ના રોજ, હેડલીને મુંબઈ હુમલામાં સંડોવણી બદલ દોષિત ઠેરવવામાં આવ્યો અને યુએસ કોર્ટે તેને 35 વર્ષની જેલની સજા ફટકારી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કેડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં હેડલીએ પણ અમેરિકા જતા પહેલા પાંચ વર્ષ અભ્યાસ કર્યો હતો.
પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે કામ કર્યા પછી, તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થયો હતો. અને થોડા વર્ષો પછી તેને કેનેડિયન નાગરિકતા પણ મળી. તેણે શિકાગોમાં ‘ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીસ’ નામની કન્સલ્ટન્સી ફર્મ શરૂ કરી. રાણાની કંપનીની મુંબઈમાં પણ એક શાખા હતી, જેને ડેવિડ કોલમેન હેડલીને મુંબઈના તે સ્થળોની રેકી કરવામાં મદદ કરી હતી. જ્યાં 26 નવેમ્બર, 2008 ના રોજ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.


