- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી
- અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 700 થી વધુ ઘાયલ થયા
- તાઈવાનમાં હજુ પણ ભૂકંપની ચેતવણી જારી કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે 3 એપ્રિલે તાઈવાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ સમયે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4ની માપવામાં આવી હતી. છેલ્લા 25 વર્ષમાં આ પહેલીવાર આવો ભૂકંપ તાઈવાનમાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભૂકંપથી થતા નુકસાનની વાત કરીએ તો આ ભૂકંપમાં 9 લોકોના મોત થયા છે અને 700થી વધુ ઘાયલ થયા છે. આ સાથે અનેક લોકો તેમાં ફસાયા હોવાની શક્યતા જોવા મળી રહી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ઉલ્લેખનીય છે કે અનેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
સુનામીનો ખતરો ટળ્યો
હવે આ ભૂકંપ બાદ સુનામીનો ખતરો વધી ગયો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, જાપાન અને ફિલિપાઈન્સને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં વધુ ભૂકંપ આવવાની શક્યતા છે. પરંતુ હાલમાં જાપાન અને ફિલિપાઈન્સે સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી છે. જોકે અધિકારીઓએ લોકોને સાવધ રહેવાની સલાહ આપી હતી, પરંતુ મોજાઓ ખૂબ ઊંચા ન આવતાં ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.
77 જેટલા લોકો ટનલમાં ફસાયેલા છે
જો કે તાઈવાનમાં સુનામીની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે સુનામીનો ખતરો ઓછો થઈ ગયો છે. જો કે તાઈવાનમાં હજુ પણ ભૂકંપની ચેતવણી જારી કરવામાં આવી છે. તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ લગભગ 127 લોકો ફસાયા હોવાનું કહેવાય છે. જેમાંથી લગભગ 77 લોકો હુઆલીન કાઉન્ટીના જિનવેન અને કિંગશુઈ ટનલમાં ફસાયેલા છે. ટનલમાં બે જર્મન નાગરિકો ફસાયા હોવાના પણ સમાચાર છે.
ભૂકંપના કારણે નમી ગયેલી ઈમારતમાં બચાવ કામગીરી મુશ્કેલ
હુઆલીન શહેરમાં કેટલીક ઈમારતો નમેલી છે. આમાં એક ઈમારત ખતરનાક રીતે ઝૂકી ગઈ છે. આ ઈમારતમાં રેસ્ક્યુ ઓપરેશન કરવું પણ મુશ્કેલ બની ગયું છે કારણ કે રેસ્ક્યુ ટીમ અંદર પ્રવેશતાની સાથે જ આ ઈમારતનો કાટમાળ પડવા લાગે છે. આવી બચાવ ટુકડીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


