પુરાણોમાં વર્ણન છે કે પોષ માસની પૂર્ણિમાથી લઈને મહામાસની પૂર્ણિમા સુધીમાં પવિત્ર નદીઓના શીતળ જળથી સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે. વર્ણન છે કે, ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી સહિત અન્ય પવિત્ર નદીના શીતળ જળથી બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવાથી મનુષ્યનાં સમસ્ત પાપો બળી જાય છે. મનુષ્ય પાપમુક્ત અને પવિત્ર બની અંતે મોક્ષની કેડી પ્રાપ્ત થાય છે.
॥ માઘ માસ પર્યંત સ્નાના સંભવે તુ ઋયમેકાહં વા સ્નાયત્॥
અર્થાત્ જે માનવ લાંબા સમય સુધી સ્વર્ગલોકનો આનંદ અને ભોગ ઈચ્છે છે તેને મહા માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં સ્થિત હોય ત્યારે પવિત્ર જળાશયમાં પવિત્ર નદીમાં તીર્થસ્નાન અવશ્ય કરવું જોઈએ.
માન્યતા છે કે માઘ માસમાં શીતળ જળસ્નાન કરવાથી, પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી શરીરમાં તથા મનમાં હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. શ્રી હરિ વિષ્ણુની પૂજા-અર્ચના તથા દાનકર્મ કરવાથી શ્રી હરિ વિષ્ણુની પ્રાપ્તિ થાય છે અને જીવાત્મા ખૂબ લાંબા સમય સુધી સ્વર્ગના ભોગો ભોગવે છે.
માઘ માસનું ધાર્મિક મહત્ત્વ
ધાર્મિક દૃષ્ટિકોણથી માઘ માસનું મહત્ત્વ વધારે છે. ભારતીય સંવત્સરનો 11મો ચંદ્રમાસ અને દસમો સૌરમાસ એટલે માઘ માસ. આ મહિનામાં મઘા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોવાથી તેનું નામ માઘ માસ પડ્યું. આ માસમાં શીતળ જળમાં ડૂબકી લગાવનાર વ્યક્તિ પાપમુક્ત થઈને સ્વર્ગલોકના ભોગ ભોગવે છે.
માઘે નિમગ્ના: સલિલે સુશિતે વિમુક્ત પાપસ્ત્રિદિવં પ્રયાન્તિ।
માઘ સ્નાન માહાત્મ્યની પૌરાણિક કથા
પ્રાચીનકાળમાં નર્મદા નદીના તટ ઉપર સુવ્રત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે વેદ-વેદાંગ પુરાણો અને શાસ્ત્રનો જ્ઞાતા હતો. અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન હતું. વિદ્વાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ ધર્મકાર્યમાં ન કર્યો. આખી જિંદગી ધન કમાવવામાં ગાળી દીધી. વૃદ્ધાવસ્થામાં ભાન થયું કે મેં આખી જિંદગી ધન કમાવવામાં ગાળી દીધી, પણ પરલોક સુધારવા માટે કંઈ જ નથી કર્યું. એ જ રાત્રિએ ચોરોએ સુવ્રતનું ધન ચોરી લીધું. જોકે, તેને લેશમાત્ર પણ દુ:ખ ન થયું, કારણ કે તેનો જીવ હવે પરમાત્મા તરફ હતો.
પોતાના ઉદ્વાર માટે માઘ સ્નાન રૂપી મૂળ મંત્ર મળી ગયો. માઘ સ્નાનનો સંકલ્પ કર્યો. નવ દિવસ સુધી પ્રાત: શીતળ નર્મદાસ્નાન કર્યું. દસમા દિવસે પ્રાણ ત્યાગ કર્યો. એ જ ક્ષણે વૈકુંઠમાંથી વિમાન આવ્યા. દિવ્ય પાર્ષદો તેમને વૈકુંઠમાં લઈ ગયા અને સુવ્રતને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. આ રીતે માઘ માસમાં પવિત્ર નદીઓમાં જળાશયમાં શીતળ સ્નાન, શ્રી હરિ વિષ્ણુની પૂજા-અર્ચના તથા એકટાણું વ્રત અને દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રકારોએ અને દિવ્ય ગ્રંથોએ બતાવ્યું છે. માટે જ અનેક આશ્રમોમાં ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરોમાં તેમના વિદ્યાર્થીઓને શીતળ કુંભજળ સ્નાન કરાવવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિરોમાં આગલી રાત્રે માટીના કુંભોમાં જળ ભરીને આખી રાત ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે પ્રાત:કાળમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ શીતળ અને પવિત્ર જળથી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.