સોદા થયાના અઠવાડીયામાં જ મબલખ આવક : ૧૪૦૦ રૂપિયા ભાવ મળતા ખેડૂતોની ખુશી બમણી
કેરીની મૌસમ આવતાની સાથે જ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં બમ્પર આવક શરૂ થઇ ગઇ છે. હરાજી શરૂ થયાના પાંચ દિવસમાં જ તાલાલા યાર્ડમાં ૨૯૦૦૦ જેટલી કેસર કેરીની આવક થતાં યાર્ડ મહેંકી ઉઠયું હતું. એક બોકસના ૧૪૦૦ રૂપિયા જેટલો ભાવ આવતા ખેડૂતોની ખુશી પણ બમણી થઇ ગઇ છે. આગામી દિવસોમાં આવકમાં અને ભાવમાં પણ વધારો થવાની શકયતા ખેડૂતોએ વ્યકત કરી છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં તા. ૧ મેથી કેસર કેરીની સીઝન શરૂ થઈ હતી. પાંચ દિવસ દરમ્યાન યાર્ડમાં દશ કિલો ગ્રામના કુલ ૨૯૦૦૦ બોક્સની આવક થઈ હતી. આ વર્ષે કેરીના પાકને અનુકૂળ આબોહવા મળી નથી તેમજ આ વર્ષે આંબામાં કૌરામણ આવતા તૈયાર પાક ખરી પડ્યો હતો જેને કારણે ઓછો પાક હોય આ વર્ષે આવક ધીમી છે અને કેસર કેરીના ભાવો ઉંચા રહ્યા છે.
માર્કેટીંગ યાર્ડમાંથી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને સિઝનની શરૂઆતમાં કેરીના સંતોષજનક ભાવો મળી રહ્યાં છે. તાલાલા શહેરમાં માર્કેટીંગ યાર્ડ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ દ્વારા કેસર કેરીની જથ્થાબંધ ખરીદીઓ શરૂ થઈ હોય મોડી રાત્રી સુધી કેસર કેરીના કામકાજ ચાલુ હોય તાલાલા શહેર મધમીઠી ખુશ્બુથી ધમધમી ઉઠયું છે.


