તાલાલાના લોટસ લકઝરી રિસોર્ટમાં દારૂની મહેફીલ માણતા રાજકોટના પાંચ ઝડપાયા
રિસોર્ટ માલિકની અટકાયત : રૂ.૨૧.૭૬ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, તાલાલા
ગીર સોમનાથ પોલીસે તાલાલાના એક રિસોર્ટમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ વ્યક્તિઓ અને રિસોર્ટના સંચાલક સહિત કુલ છ લોકોને ઝડપી પાડ્યા છે.
જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે.
આ કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. એસ.વી. રાજપૂત, એસ.ઓ.જી.ના ઇ.ચા. પી.આઈ. ડી.એમ. કાગડા, એલ.સી.બી.ના પી.એસ.આઈ. એ.સી. સિંધવ અને પી.એસ.આઈ. એચ.એલ. જેબલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલ.સી.બી.ના એ.એસ.આઈ. સોનિંગસિંહ સિસોદિયા, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણકુમારસિંહ સોલંકી અને એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. જીગ્નેશગીરી ગોસ્વામી તથા કોન્સ્ટેબલ કલ્પેશભાઈ વાઢેરને મળેલી સંયુક્ત બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.
બાતમીના આધારે, તાલાલાના ચિત્રોડ ગામની સીમમાં આવેલા ‘લોટસ લક્ઝરી રિસોર્ટ’ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણતા વ્યક્તિઓ અને રિસોર્ટના સંચાલકને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા રાજકોટના પાંચ વ્યક્તિઓમાં શુભમભાઈ ગોપાલભાઈ ડોડીયા (વેપારી, રહે. કુવાડવા રોડ, એલ.પી. પાર્ક), હર્ષભાઈ પ્રવીણભાઈ ધકાણ (ઉ.વ. ૨૩, પ્રા. નોકરી, રહે. કોઠારીયા કોલોની), તરંગભાઈ નરેશભાઈ કક્કડ (ઉ.વ. ૨૩, પ્રા. નોકરી, રહે. રાજકોટ હુડકો સોસાયટી), વિશાલભાઈ ભરતભાઈ ધકાણ (ઉ.વ. ૨૨, પ્રા. નોકરી, રહે. કોઠારીયા કોલોની) અને કિશનભાઈ મુકેશભાઈ ગોહેલ (ઉ.વ. ૨૪, અભ્યાસ, રહે. ખોડીયાર કૃપા, કનક નગર) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, રિસોર્ટના સંચાલક આકાશભાઈ મહેશભાઈ ગુર્જર (ઉ.વ. ૨૩, રહે. વિસાવદર, હનુમાનપરા) ને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹21,76,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાલાલા-સાસણ પંથકમાં આવેલા ફાર્મ હાઉસ, રિસોર્ટ અને હોટલોમાં આવી દારૂની મહેફિલો યોજાતી હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે. પોલીસે આવી અનૈતિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે ખાનગી રાહે નજર રાખી છે અને આ દરોડો તે દિશામાં એક વધુ કાર્યવાહી છે.


