સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી બાદ શાપરમાં પરિણીતાએ ફાંસો ખાધો
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર વિસ્તારમાં ઘરેલુ વિવાદના પગલે પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સાસુ સાથે ઘરકામને લઈને થયેલી બોલાચાલી બાદ યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જોકે સમયસર ધ્યાન જતા તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
માહિતી મુજબ, રિયાબેન મયુરભાઈ મકવાણા (ઉંમર 26), રહે. શિવમ પાર્ક, શાપર, ગઈકાલે બપોરે આશરે 12 વાગ્યાના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના સમયે ઘરના સભ્યોની નજર પડતા તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે શાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, રિયાબેનના લગ્ન આશરે 13 વર્ષ પહેલા થયા હતા અને તેમને એક દીકરો છે. તેઓ પતિ, પુત્ર તેમજ સાસુ-સસરા સાથે રહે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઘરકામ અંગે સાસુ સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ આ પગલું ભરાયું હતું. હાલ રિયાબેનની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. શાપર પોલીસ દ્વારા ઘટનાની નોંધ લઈને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.


