ફોન પર બોયફ્રેન્ડ સાથે વાત કર્યા બાદ 24 વર્ષીય યુવતીની પાંચમા માળેથી મોત છલાંગ
કટારિયા ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં ઘટના; સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું નિધન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં કટારિયા ચોકડી નજીક આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. બપોરના સમયે બોયફ્રેન્ડ સાથે મોબાઇલ પર વાત કર્યા બાદ 24 વર્ષની યુવતીએ પાંચમા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઇજાઓ સાથે તેણીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીને મૃત જાહેર કરવામાં આવી.
પ્રાપ્ત વિગતો મુજબ, પલક નિલેશભાઈ ઝાલા (ઉંમર 24), જે કટારિયા ચોકડી પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં પરિવાર સાથે રહેતી હતી, તે ઘટનાના દિવસે બપોરે પોતાના ઘરે હાજર હતી. તેણે માતાને અગાશી પર તડકો ખાવા જવાનું કહી ઉપર ગઈ હતી. ત્યારબાદ તેણીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી અને થોડા સમય પછી અતિશય પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવતી ખાનગી નોકરી કરતી હતી અને પરિવારની આર્થિક મદદ પણ કરતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે તેણી જે સ્થળે નોકરી કરતી હતી ત્યાં કામ કરતો યુવક તેનો બોયફ્રેન્ડ હતો અને તેના નજીકના સમયમાં લગ્ન નક્કી થયેલા હોવાની ચર્ચા છે. આ બાબતને ધ્યાનમાં રાખી પોલીસે ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ પૂછપરછ હાથ ધરી છે. મૃતક બે બહેનોમાં મોટી હતી અને પિતા હયાત નથી. તેના અચાનક અવસાનથી પરિવાર પર શોકનું વાદળ છવાઈ ગયું છે.


