- એનડીએમાં નીતીશના સમાવેશ મુદ્દે ભાજપના સૂર પણ હળવા થયા
- નીતીશ ફરી પાટલી બદલવાની તૈયારીમાં હોવાના અહેવાલો વચ્ચે રાજકારણમાં ગરમાવો
- બિહારના સીએમ નીતીશકુમાર ફરીવાર પાટલી બદલવાની તૈયારીમાં લાગી રહ્યા છે
બિહારના સીએમ નીતીશકુમાર ફરીવાર પાટલી બદલવાની તૈયારીમાં લાગી રહ્યા છે. નીતીશની પાર્ટી ફરીવાર ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઇ છે જેના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હજુ સુધી નીતીશ માટે એનડીએના દરવાજા બંધ થઇ ગયા હોવાની વાતો કરનાર ભાજપના સૂર પણ નરમ પડી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે જેડીયુથી લઇને આરજેડી અને ભાજપ સુધી મેલ-મુલાકાત અને બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. નીતીશકુમારે જનતા દળ (યુ)ના તમામ સાંસદો અને ધારાસભ્યોને આગામી આદેશ સુધી પટણામાં હાજર રહેવા કહ્યું છે. નીતીશ સરકારના મંત્રી અશોક ચૌધરીએ રાજભવન જઇને રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી જ્યારે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજયકુમાર સિન્હાના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક યોજાઇ હતી. ભાજપની સહયોગી જિતનરામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા પાર્ટીએ પણ પોતાના તમામ ધારાસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટણામાં જ રહેવા કહ્યું છે.
RJD-JDU વચ્ચે અંટસમાં વધારો થયો
આરજેડી અને જેડીયુ બંને પક્ષો વચ્ચે નીતીશ સરકારના કામકાજની ક્રેડિટ લેવાની હોડ ચાલી રહી છે. હવે કર્પૂરી ઠાકુરની જયંતીની ઉજવણી મુદ્દે પણ બંને પક્ષો વચ્ચે મતભેદ સામે આવ્યા છે. પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરની 100મી જયંતીની ઉજવણી માટે બંને પક્ષો અલગ-અલગ કાર્યક્રમ કરી રહ્યા છે. જેડીયુએ પહેલા ઉજવણી કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરી હતી પરંતુ આરજેડીએ 23 જાન્યુઆરીએ જયંતીની ઉજવણીની જાહેરાત કરી હતી. આરજેડીના આ દાવથી જેડીયુ બેકફૂટ પર આવી ગઇ હતી અને તેણે 24 જાન્યુઆરીએ પટણામાં કાર્યક્રમનું એલાન કર્યુ હતું.


