- આવતીકાલે 4 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર
- કોવિલપટ્ટીમાં રેલવે સબવેમાં પાણી ભરાઈ ગયું
- નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ચાર ટીમો તૈનાત
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે આવતીકાલે એટલે કે 18મી ડિસેમ્બરે 4 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દક્ષિણ શ્રીલંકાના કિનારે હિંદ મહાસાગર અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવને કારણે રવિવારે કન્યાકુમારી, થૂથુકુડી, તિરુનેલવેલી અને તેનકાસીમાં ભારે વરસાદ થયો હતો.
વૃક્ષો ધરાશાયી થવાથી વાહનોને નુકસાન
મીડિયા અહેવાલો અનુસાર, થૂથુકુડીમાં ભારે વરસાદ ચાલુ હોવાથી કોવિલપટ્ટીમાં રેલવે સબવેમાં પાણી ભરાઈ ગયા હતા. તેવી જ રીતે, કન્યાકુમારીમાં ભારે વરસાદ બાદ નાગરકોઈલમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. થૂથુકુડીમાં વૃક્ષો ધરાશાયી થવાની અને વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ બની હતી.
લોકોને નદીથી દૂર રહેવા વિનંતી
તિરુનેલવેલી અને થૂથુકુડીના કલેક્ટરે લોકોને થમિરાબરાની નદીથી દૂર રહેવા વિનંતી કરી છે. અન્ય જળાશયોમાં પણ પાણીની સપાટી વધી છે. દરમિયાન, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ચાર ટીમો થૂથુકુડી, તિરૂનેલવેલી અને કન્યાકુમારીમાં બચાવ સાધનો સાથે તૈનાત કરવામાં આવી રહી છે.
આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સોમવારે તમિલનાડુ અને કેરળના દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. જેને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


