ટંકારામાં પીજીવીસીએલ સીટી ફીડરમાં ફરજ બજાવતા વીજ કર્મચારીને તેના ફરજના સ્થળે આવી લાઈટ કેમ જતી રહી રોજની હેરાનગતિ છે તેમ કહી બે શખ્સો દ્વારા જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અત્રેના ટંકારા પોલીસ મથકમાં વીજ કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ રાજકોટ જિલ્લાના ભુપગઢ ગામના વતની હાલ બેડી ગામે રહેતા અને પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ હેલ્પર તરીકે ટંકાતાનાં સરકારી હોસ્પિટલની પાછળ આવેલ સીટી ફીડરમાં ફરજ બજાવતા મિથુનભાઇ રમેશભાઇ રાઠોડ ઉવ.૨૯ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી સલીમ હાસમભાઈ અબ્રાણી રહે ટંકારા તથા એક અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી કે ફરીયાદી મિથુનભાઈ પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ પર હતા દરમ્યાન આરોપી સલીમ હાસમભાઈ અબ્રાણી તથા એક અજાણ્યો માણસ બાઈક લઇ સીટી ફીડરે આવી મિથુનભાઈને કહેવા લાગેલ કે કેમ લાઈટ જતી રહે છે અને કાયમી હેરાનગતી હોય છે તેમ કહેતા મિથુનભાઈએ આરોપીને સમજાવતા કહ્યું કે ફ્યુઝ બદલાવી નાખેલ છે તે વાત કરી હતી જે બાબતે આરોપીઓને સારૂ નહિ લાગતા બંન્ને આરોપીઓએ મિથુનભાઈને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો શરીરે મુંઢ માર મારી તથા આરોપી અજાણ્યા માણસે ત્યા પડેલ ૨૦૦ એમ્પીયરનો ફ્યુઝ મિથુનભાઈને વાસાના ભાગે મારી તેમને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કર્યા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે મિથુનભાઈની કરિયાદના આધારે બંન્ને આરોપીઓ સામે કાયદેસરની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.