૬૦ વર્ષીય વિધવા માતાનો એકનો એક પુત્ર અકસ્માતમાં કાળનો કોળીયો બની જતા માતા ઉપર વજ્રઘાત
ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઇવે રોડ ઉપર બાઇકમાં સવાર બે મિત્રો રાજકોટથી પરત ફરતા હોય ત્યારે પાછળથી આવેલ અજાણી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા બાઈક ચાલક અને બાઈક પાછળ બેસેલ એમ બંને મિત્રો બાઈક નીચે પટકાતા બંને યુવકોને માથામાં અને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલક યુવકને માથાના ભાગે પહોંચેલ ગંભીર ઇજાઓને કારણે તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું જયારે અન્ય યુવકની સારવાર ચાલુ હોય. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે મૃતક યુવકની માતા દ્વારા ટંકારા પોલીસ મથકમાં આરઓઇ અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હિટ એન્ડ રનના કેસની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના પરષોત્તમ નજીક રહેતા મીનાબેન દિનેશભાઈ રાઠોડ ઉવ-૬૦એ ટંકારા પોલીસ મથકમાં અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૬/૦૫ના રોજ મીનાબેનનો પુત્ર આનંદ અને તેનો મિત્ર મનીષ કોઈ કામ સબબ મનીષના માલિકીના બાઈક રજી.નં. એમએચ-૪૭-વી-૩૯૯૦ રાજકોટ શહેર ગયા હોય જ્યાંથી તેઓ રાત્રીના ૯ વાગ્યાના અરસામાં મોરબી પરત આવતા હોય ત્યારે ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ ઓનેસ્ટ હોટલ સામે રોડ ઉપરથી પસાર થતા હોય ત્યારે પાછળથી પુરપાટ ગતિએ આવી રહેલી અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા બંને મિત્રો બાઈક ઉપરથી રોડ ઉપર પટકાયા હતા. જેથી બંને મિત્રોને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા જ્યાં બાઈક ચાલક આનંદે ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. જયારે બાઈકની પાછળ બેઠેલ મનીષ નામનો યુવક સારવાર હેઠળ છે. ત્યારે મૃતક યુવકની માતા દ્વારા અકસ્માતના આ બનાવ બાબતે આરોપી અજાણી કારના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.