દર વર્ષે ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અન્ય દેશોમાં જાય છે. હાલમાં જાણવામાં આવ્યું છે કે દિલ્હીથી અભ્યાસ અર્થે કેનેડા ગયેલી તાન્યા ત્યાગીનું મૃત્યુ નિપજ્યુ છે. વૈકુેવરમાં ભારતના મહાવાણિજ્ય દૂતવાસે ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાની કેલગરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે.
આ સાથે એ જાણકારી પણ આપવામાં આવી રહી છે કે હજી સુધી તાન્યાના મૃત્યુ પાછળના કોઈ ચોક્કસ કારણનો હજી સુધી ખુલાસો થયો નથી. વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ કાંસુલેટે જણાવ્યું હતું કે તાન્યા ત્યાગીના અચાનક થયેલા મૃત્યુથી અમે દુ:ખી છીએ. અમે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ અને તેમના પરિવારને દરેક પ્રકારની મદદ પહોંચાડશું. તેમણે તાન્યા ત્યાગીના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો.
તાન્યા ત્યાગીનું અચાનક કેનેડામાં મૃત્યુ થવાથી ઘણા સવાલો ઉભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ મૃત્યુ પાછળનું કારણ શું છે? આ મૃત્યુ કયા સંજોગોમાં થયું અને તેની સાથે કોણ કોણ હાજર હતું? અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. જો કે અધિકારીઓએ આ અંગે હજી કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી.
આ કેસ એટલા માટે ગુંચવાયો છે કારણકે સોશિયલ મિડીયા પર એક અનવેરિફાઈડ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તાન્યાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. આ પોસ્ટમાં પીએમઓને ટેગ કરીને મદદ માંગવામાં આવી છે. પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેમનો પરિવાર પીએમ મોદી પાસે તેમની દિકરીનો મૃતદેહ પાછો લાવવા માટે મદદ માંગી રહ્યું છે.