અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુધ્ધ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ફરી એક વખત ચીન પર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સામે “બદલાની કાર્યવાહી” ના કારણે ચીનને હવે 245 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત કરવામાં આવતા ખનીજો અને તેમાંથી બનેલા ઉત્પાદનો પર અમેરિકાની નિર્ભરતાના કારણે પેદા થતી રાષ્ટ્રીય સુરક્ષા જોખમોની તપાસ કરવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા ત્યારે આ વાતની જાણકારી બહાર આવી હતી.
આ દસ્તાવેજમાં ટ્રમ્પના એ દાવાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે “વિદેશી મહત્વપૂર્ણ ખનિજો પર વધુ પડતી નિર્ભરતા” અને તેમના હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો અમેરિકાની સંરક્ષણ ક્ષમતાઓ, માળખાગત વિકાસ અને તકનીકી ઇનોવેશનને જોખમમાં મૂકી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે બધા દેશો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે અને તે દેશો પર પારસ્પરિક રીતે વધારે ટેરિફ લાદ્યા છે જેમની સાથે અમેરિકાની વેપાર ખાધ સૌથી વધુ છે.
વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે 75 થી વધુ દેશોઓ વેપાર અંગેની ચર્ચા કરવા માટે કરાક કર્યા હોવાથી હાલ પુરતો ઉંચા દર વાળા ટેરિફને મોકુફ રાખવામાં આવ્યો છે. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીને અમેરિકાની કાર્યવાહી સામે બદલો લીધો છે અને તેથી “તેની બદલાની કાર્યવાહીના પરિણામે અમેરિકામાં આયાત પર 245 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે.”
ચીને થોડા મહિના પહેલા અમેરિકાને ગેલિયમ, જર્મેનિયમ, એન્ટિમની અને અન્ય મુખ્ય હાઇ-ટેક સામગ્રીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જેની અમેરિકાના સૈન્યમાં ઉપયોગની સંભાવના હતી. જ્યારે આ અઠવાડિયે તેણે છ ખૂબ જ દુર્લભ ધાતુઓની નિકાસ પણ સ્થગિત કરી દીધી હતી. વ્હાઇટ હાઉસે દાવો કર્યો હતો કે આવી કાર્યવાહીનો હેતુ “વિશ્વભરના ઓટોમેકર્સ, એરોસ્પેસ ઉત્પાદકો, સેમિકન્ડક્ટર કંપનીઓ અને લશ્કરી કોન્ટ્રાક્ટરોને મહત્વપૂર્ણ ઘટકોના પુરવઠાને અવરોધિત કરવાનો” હતો.


