કબજે કરાયેલા થોકબંધ સાહિત્યો અને નાણાકીય વ્યવહારની ચાલતી તપાસ
રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ છેલ્લાં ત્રણ દિવસથી સપાટો બોલાવી રહી છે. મોટાગજાની એસ્ટેટ બ્રોકર પેઢી મોદી એસ્ટેટ ઉપરાંત બાલાજી હાર્ડવેર અને શ્રી હરી નાસ્તાગૃહમાં દરોડાં પાડી ત્યાંથી મહત્વના દસ્તાવેજો, કોમ્પ્યુટર હાર્ડડીસ સહિતના સાહિત્યો કબજે કર્યા છે. દસ્તાવેજો અને અન્ય નાણાકીય વ્યવહારોની ઉલટ તપાસ ચાલી રહી છે એ દરમિયાન લાખો રૂપિયાની કરચોરી પકડાઇ છે. કરચોરીનો સતાવાર આંકડો તપાસ પૂરી થયા બાદ સતાવાર રીતે જાહેર કરવામા આવશે.
સેન્ટ્રલ જી.એસ.ટી.એ રાજકોટમાં મોટા ગજાના કહેવાય મોદી એસ્ટેટ સહિત ત્રણ પેઢીમાં શનિવરે દરોડાં પાડ્યા હતા. થોકબંધ સાહિત્ય કબજે કર્યુ હોવાનું અને એક વ્યક્તિને સીજીએસટીની ટીમે ઉપાડીને કઇ કઇ જગ્યાએ? ક્યા પ્રોજેક્ટના સોદા કર્યા છે? એ સહિતની તપાસ માટે ચોક્કસ સાઇટ પર જઇને પણ સાઇટ ઓફિસમાં તપાસ કરવામા આવી હતી.
રાજકોટ હાલ માત્ર ગુજરાત જ નહીં પણ દેશ કક્ષાએ ‘હોટ ન્યૂઝ ઓફ સિટી’ બની ગયુ છે. ખાસ કરીને ટીઆરપી કાંડ પછી જે રીતે અહીં રિયલ એસ્ટેટમાં જમીનથી લઇને આસમાન સુધી ગોરખધંધા ચાલી રહ્યા છે તેના સીધા જ પડઘા કેન્દ્ર સુધી પડ્યા છે. સાગઠિયા કાંડ પછી તેની સાથે ભાગીદારી કરનાર બિલ્ડરોના નામ ભલે ખુલ્યા ન હોય પણ વાયા એસ્ટેટ બ્રોકર મારફતે હવે સેન્ટ્રલ જીએસટીએ રાજકોટમાં ધામા નાંખ્યા છે. ગત શનિવારે ઉઘડતી સવારે જ સેન્ટ્રલ જીએસટીની ટીમ મોદી એસ્ટેટમાં ત્રાટકી હતી. આ ઉપરાંત જીએસટીની અન્ય બે ટીમ બાલાજી હાર્ડવેર તેમજ શ્રી હરી નાસ્તાગૃહ પેઢીમાં દરોડા પાડવા પહોંચી હતી. ઉક્ત ત્રણેય સ્થળેથી થોકબંધ સાહિત્ય, કોમ્પ્યુટર હાર્ડડીસ સહિતનું કબજે કરવામા આવ્યા છે. ત્રણેય પેઢીના નાણાકીય વ્યવહારો ચકાસવામા આવી રહ્યા છે. એ દરમિયાન લાખો રૂપિયાની કરચોરી પકડાઇ હોવાનું જાણવા મળે છે. જો કે સતાવાર આંકડો તપાસ પૂરી થયા બાદ જાહેર કરવામા આવશે. સુત્રોનું કહેવુ ત્યા સુધી છે કે, જાણકાર એક વ્યક્તિને પણ તપાસ ટીમે ઉપાડી લીધી છે અને એસ્ટેટ બ્રોકર પેઢીએ ક્યા-ક્યા બ્રોકર સાથે બુકીંગના કામ લીધા છે તેની તપાસ ચાલી રહી છે. બિલ્ડરોના પ્રોજેક્ટના સ્થળે પણ તપાસ કરવા ટીમ આ જાણકાર વ્યક્તિને સાથે લઇ ગઇ હોવાનું પણ જાણવા મળે છે.
સ્ટેટ જીએસટીને ભડક પણ ન આવે એ રીતે સેન્ટ્રલ જીએસટીની ટીમે રાજકોટમાં એસ્ટેટ બ્રોકરોને ત્યા પાડેલા દરોડાંના પગલે બિલ્ડર લોબી હચમચી ગઇ છે. આજે સવારથી રાજકોટના રિયલ એસ્ટેટ જગતમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, બ્રોકરો મારફતે ક્યા બિલ્ડરો હડફેટે ચડી ગયા છે? જોકે મોદી એસ્ટેટ ક્યા બિલ્ડરોના બુકીંગ લેતુ તે બિલ્ડરના નામ હજુ બહાર આવ્યા નથી.