- ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ
- 4 ચાઇનીઝ કોસ્ટ ગાર્ડ બોટ કિનમેન ટાપુઓ પર પ્રવેશી
- જહાજોને તાત્કાલિક પરત ફરવાની તાઈવાનની ચેતવણી
તાઈવાનની જળસીમામાં ચીનના જહાજોના આગમનને કારણે ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ગત શનિવારે, તાઈવાને સતત બીજા દિવસે સંવેદનશીલ તાઈવાન સ્ટ્રેટમાં ચીની જહાજોની ઘૂસણખોરી સામે વાંધો ઉઠાવ્યો છે. ચીનના જહાજો પ્રવેશતાની સાથે જ તાઈવાને રેડિયો દ્વારા આ જહાજોને તાત્કાલિક પરત ફરવાની ચેતવણી આપી હતી.
તાઇવાનના કોસ્ટ ગાર્ડને ટાંકીને મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે 4 ચાઇનીઝ કોસ્ટ ગાર્ડ બોટ શનિવારે સવારે તાઇવાન-નિયંત્રિત કિનમેન ટાપુઓ પર પ્રતિબંધિત પાણીમાં પ્રવેશી હતી. તાઈવાનના અધિકારીઓની ચેતવણી છતાં ચીનની બોટ એક કલાક સુધી સંવેદનશીલ પાણીમાં રોકાયેલી રહી હતી. વાસ્તવમાં, તાઈવાનના સખત વાંધાઓ છતાં, ચીન હંમેશા તાઈવાનને પોતાના દેશનો ભાગ ગણાવે છે. તાજેતરના વર્ષોમાં ચીને તાઈવાન નજીક સૈન્ય ગતિવિધિઓ વધારી છે.
તાઈવાને ચીનને આપી ચેતવણી
તાઈવાન કોસ્ટ ગાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા ફૂટેજ મુજબ, તાઈવાનના એક અધિકારીએ રેડિયો દ્વારા ચીની અધિકારીઓને કહ્યું, “તમે અમારા દેશના પ્રતિબંધિત પાણીમાં પ્રવેશ કર્યો છે, કૃપા કરીને તરત જ પાછા ફરો.” આ ફૂટેજમાં તાઈવાન કોસ્ટ ગાર્ડની એક બોટ ચીનના બે જહાજોની હિલચાલ પર નજર રાખતી દેખાઈ રહી છે. તાઈવાન કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં કહ્યું કે, ‘ચીનના આ પગલાથી દરિયાઈ ટ્રાફિક અને સુરક્ષા પર ગંભીર અસર પડી છે. નૌસૈનિક ઘટનાઓ ટાળવા માટે અમે તેમની પાસેથી આ પ્રકારનું વર્તન બંધ કરવા વિનંતી કરીએ છીએ. હાલમાં ચીન તરફથી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
શા માટે ચીન સતત કરે છે પેટ્રોલિંગ?
તાઈવાનની સત્તાવાર સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીનના કોસ્ટ ગાર્ડે શુક્રવારે પણ કિનમેન ટાપુઓ નજીક પેટ્રોલિંગ કર્યું હતું. તાઈવાનની નૌકાદળ દ્વારા 4 ચાઈનીઝ કોસ્ટ ગાર્ડ બોટને ચેતવણી આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં જ કિનમેન વિસ્તારમાં બે ચીની માછીમારોના મોત થયા હતા, ત્યારબાદ ચીનના કોસ્ટ ગાર્ડની ટીમો નિયમિત પેટ્રોલિંગ કરી રહી છે.
તાઇવાનના અધિકારીએ શું કહ્યું?
તાઇવાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે બેઇજિંગ તાઇવાનને પરેશાન કરી રહ્યું છે અને “ભ્રમિત” કરતાં સંદેશાઓ મોકલી રહ્યું છે. આ ઉપરાંત, તે દરિયાઈ ઘટનાઓનો સામનો કરવા માટે તાઈપેઈની મદદ પણ માંગી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે કિનમેનમાં ચીની કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગને “કોઈ મોટો સુરક્ષા ખતરો નથી” પરંતુ ત્યાં પરિસ્થિતિ જટિલ બની ગઈ છે.


