- ભારત છેલ્લે 2021માં સેંચુરિયનમાં જ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીત્યું હતું
- બપોરે 1.30થી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક, ડિઝની + હોટસ્ટાર પરથી જીવંત પ્રસારણ
- નાના બ્રેક બાદ વિરાટ ફરી મેદાન પર દેખાયો
પ્રવાસી ભારતીય ટીમ અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારથી સેંચુરિયન મેદાન પર પ્રથમ ટેસ્ટનો આરંભ થશે. ભારતે દક્ષિણ આફ્રિકામાં પાછલી ટેસ્ટ 2021માં જીતી હતી. આ મુકાબલો પણ સેંચુરિયનમાં રમાયો હતો. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં સેંચુરિયન પર ત્રણ ટેસ્ટ મેચ રમાઇ છે અને ત્રણે મેચમાં પરિણામ આવ્યું છે. વન-ડે વિશ્વકપની નિરાશાજનક ફાઇનલને એક મહિનો થઇ ગયો છે અને તેનો ગમ હજું પણ યથાવત છે. જો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ સાથેની ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ દરમિયાન ભારે પસીનો વહાવી રહી છે કેમ કે તેઓ જાણે છે કે હારના ગમને ભૂલવા માટે હેવીવેઇટ વિજયની ખાસ જરૂર છે. ટીમ ઈન્ડિયા 31 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી અને પોતાની કેરિયરના અંતિમ પડાવમાં રોહિત અને કોહલી બન્ને વિજય હાંસલ કરવા આતુર હશે કે જે અન્ય કોઇ ભારતીય ટીમ કરી શકી નથી. બન્ને ટીમ વચ્ચે 1992માં ડરબનમાં પ્રથમ ટેસ્ટ રમાઇ ત્યારથી ઘરમાં દક્ષિણ આફ્રિકાનું પલ્લું ભારે રહ્યું છે.
નાના બ્રેક બાદ વિરાટ ફરી મેદાન પર દેખાયો
પોતાના પરિવાર સાથે નાનકડો બ્રેક લીધા બાદ વિરાટ કોહલી લંડનથી સેંચુરિયન પહોંચી ગયો છે. બીજી તરફ રોહિત શર્મા પણ વિશ્વ કપ પછીના ત્રણ સપ્તાહ પોતાને મીડિયાથી અળગો રાખીને મેદાન પર થોડો સહજ દેખાતો હતો. બન્ને ખેલાડીઓ અલગ અલગ નેટ અને મધ્ય પિચ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સાથે એક કલાક કરતાં વધારે સમય સુધી થ્રો ડાઉનનો પણ અભ્યાસ ચાલી રહ્યો છે.
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 42 ટેસ્ટ રમાઇ ચૂકી છે જેમાં ભારતનો 15માં અને દક્ષિણ આફ્રિકાનો 17 ટેસ્ટમાં વિજય થયો છે. 10 મુકાબલા ડ્રો રહ્યા હતાં. એટલે કે બન્ને ટીમ વચ્ચે વધારે અંતર નથી. પણ દક્ષિણ આફ્રિકામાં ભારતના દેખાવની વાત કરીએ તો તે ઘણો ખરાબ રેકોર્ડ છે. દક્ષિણ આફ્રિકાની જમીન પર ભારતે 23 ટેસ્ટ રમી છે અને ફક્ત ચારમાં વિજય હાંસલ કર્યો છે. 12 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો અને સાત ટેસ્ટ ડ્રો રહી છે. સેંચુરિયનની વાત કરીએ તો આ મેદાન પર ત્રણ મેચમાંથી એકમાં ભારતનો વિજય થયો હતો અને બે મેચ યજમાન ટીમે જીતી લીધી હતી.
શાર્દૂલને અશ્વિનની સરખામણીએ પ્રાથમિકતા મળી શકે
ગીસો રબાડા, લુંગી એનગીડી, માર્કો યાનસેન અને સંભવતઃ ગેરાલ્ડ કોએત્ઝી જેવા ચાર ફાસ્ટ બોલર્સના આક્રમણ સામે ભારત પોતાની બેટિંગની ઊંડાઇને ઘટાડવાનું પસંદ નહીં કરે. આ સંજોગોમાં ફાસ્ટ બોલર્સને યારી આપતી પિચ પર શાર્દૂલ ઠાકુર ફરી એકવાર રવિચંદ્રન અશ્વિન પર ભારે પડી શકે છે. મેચના પહેલાં દિવસે સેંચુરિયનમાં વરસાદની સંભાવના છે. નેટ પ્રેકિટસ દરમિયાન મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણા વચ્ચેની હરીફાઇ દેખાઇ રહી છે. બન્નેમાંથી કોણ પસંદ થશે તે મંગળવારે જ જાણ થશે.


