7 મેના રોજ રોહિત શર્માએ એક મોટો નિર્ણય લીધો. તેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા. રોહિત શર્મા હવે ઈંગ્લેન્ડમાં રમાનારી 5 મેચની ટેસ્ટ સિરીઝનો ભાગ રહેશે નહીં. રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરીને ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી.
આ પહેલા રોહિત શર્માએ 2024માં T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 ફોર્મેટ છોડવાનો નિર્ણય લીધો હતો. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટમાં હિટમેનના નામે કઈ સિદ્ધિઓ છે.
ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી
6 નવેમ્બર 2013 ના રોજ, રોહિત શર્માએ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું. તેને કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર રમી અને સદી પણ ફટકારી. આ મેચમાં રોહિતે 301 બોલમાં 177 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન, હિટમેને 23 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. તેમની સદીના બળ પર, ભારતે મેચ એક ઈનિંગ્સ અને 51 રનથી જીતી લીધી.
ફાઈનલ રમ્યું ભારત
જ્યારે વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી, ત્યારે રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટનશીપ મળી. આ દરમિયાન, તેમને ભારતનું શાનદાર નેતૃત્વ કર્યું અને ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023 સુધી પહોંચાડી. પરંતુ અહીં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હાર માની લેવી પડી.
2019નું વર્ષ યાદગાર બનાવ્યું
ટેસ્ટ ક્રિકેટમાં દરેક બેટ્સમેનનું સ્વપ્ન હોય છે કે તે પોતાના દેશ માટે બેવડી સદી ફટકારે. રોહિતે રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે 212 રનની શાનદાર ઈનિંગ રમીને 2019નું વર્ષ યાદગાર બનાવ્યું. તેને 255 બોલમાં 28 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 212 રન બનાવ્યા.
સાતમી વિકેટ માટે રોહિતની મોટી સિદ્ધિ
ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સાતમી વિકેટ માટે સૌથી લાંબી પાર્ટનરશિપનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેને આર અશ્વિન સાથે 280 રનની પાર્ટનરશિપ કરી.
બંને ઈનિંગ્સમાં સદી
રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં આક્રમક બેટિંગ કરે છે. તેની ગણતરી એવા થોડા બેટ્સમેનોમાં થાય છે જેને એક ટેસ્ટ મેચની બે ઈનિંગ્સમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. રોહિતે 2019 માં દક્ષિણ આફ્રિકા સામે 176 અને 127 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.


