- ઓસ્ટ્રેલિયા સામે ભારતની 6 વિકેટે કારમી હાર
- ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં છવાઇ ઉદાસી
- દ્રવિડે હાર પછીની ભારતીય ડ્રેસિંગ રૂમની હાલત વર્ણવી
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 6 વિકેટે હરાવીને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે, જ્યારે ભારતનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. સખત મહેનત બાદ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હારથી ભારતીય ખેલાડીઓ ખૂબ જ નિરાશ છે. ટ્રોફી ન જીતવાનું દુ:ખ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા અને મોહમ્મદ સિરાજ પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યા જ્યારે વિરાટ કોહલી પોતાની કેપથી ચહેરો છુપાવીને મેદાનની બહાર આવ્યો. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ જ્યારે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો ત્યાંનું દ્રશ્ય જોઈ શક્યા નહીં. બધાના ચહેરા દુઃખી હતા. ખેલાડીઓ ખૂબ જ નિરાશ હતા. તે સમજી શકતા નહોતા કે તેમણે હવે શું કરવું જોઈએ.
રાહુલ દ્રવિડનું નિવેદન
વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં હાર બાદ જ્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો તેઓ પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને રડતા જોવા મળ્યા હતા. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ખેલાડીઓનું દુઃખ જોઈ શક્યા ન હતા. મેચ બાદ તેણે પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાની આખી વાત જણાવી. દ્રવિડે કહ્યું, ‘હા, અલબત્ત, રોહિત શર્મા નિરાશ છે, જેમ કે ઘણા ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં નિરાશ છે. દરેક વ્યક્તિ લાગણીશીલ છે. એક કોચ તરીકે મારા માટે આ જોવું ખૂબ જ મુશ્કેલ હતું.કારણ કે હું જાણું છું કે આ લોકોએ કેટલી મહેનત કરી છે, તેઓએ શું યોગદાન આપ્યું છે, કેટલું બલિદાન આપ્યું છે. તેથી, તે અઘરું છે. મારો મતલબ, કોચ તરીકે જોવું મુશ્કેલ છે, કારણ કે તમે આ લોકોને વ્યક્તિગત રીતે જાણો છો. તમે જોઈ શકશો કે તેઓએ કેટલી મહેનત કરી છે, અમે છેલ્લા મહિનામાં કેટલી મહેનત કરી છે, અમે કેવું ક્રિકેટ રમ્યું છે. પરંતુ હા તે રમતનો એક ભાગ છે. આમ થતું હોય છે. સારી ટીમની જીત થઈ છે.
વિરાટ કોહલીને મેડલ આપાયું
ફાઇનલ મેચમાં હાર બાદ વિરાટ કોહલીને બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ફિલ્ડિંગ કોચે કહ્યું કે વિરાટ કોહલી સારી ફિલ્ડિંગ જ નહીં પરતું દરેક પરિસ્થિતિમાં કમાલ કરી છે. વિરાટ કોહલીને રવિનદ્ર જોડેજાએ મેડલ પહેરાવ્યો હતો.
ભારતની 6 વિકેટે હાર
વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો રહ્યો હતો. વાસ્તવમાં, એક સમયે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન 48 રન પર પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ટીમ ઈન્ડિયાને કોઈ તક આપી ન હતી. ટ્રેવિસ હેડ 120 બોલમાં 137 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 15 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે માર્નસ લાબુશેને 110 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન વચ્ચે 192 રનની ભાગીદારી થઈ હતી.


