- વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
- ભારતીય ટીમ 8માંથી 8 મેચ જીતી
- સૈયદ કિરમાનીએ ટીમ ઈન્ડિયાને લઈ કરી ભવિષ્યવાણી
વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાને આ વખતે વર્લ્ડકપ ટ્રોફીની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની તમામ આઠ મેચ જીતીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શનને જોઈને ક્રિકેટ નિષ્ણાંતો અને પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ સતત આગાહી કરી રહ્યા છે કે, આ વખતે ભારતીય ટીમ વર્લ્ડકપનો ખિતાબ જીતશે. હવે આ યાદીમાં વધુ એક વિશ્વ ચેમ્પિયન ખેલાડીનું નામ જોડાયું છે.
સૈયદ કિરમાનીએ કરી મોટી ભવિષ્યવાણી
1983ના વર્લ્ડકપમાં ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા પૂર્વ દિગ્ગજ ખેલાડી સૈયદ કિરમાનીનું કહેવું છે કે, વર્લ્ડકપ 2023નો ખિતાબ ફક્ત ભારતીય ટીમ જ જીતશે. મીડિયા સાથે વાત કરતા સૈયદ કિરમાણીએ કહ્યું, ભારત વર્લ્ડકપ જીતશે, ભારતીય ટીમ ખુબ સારૂં રમી છે. ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરે સૈયદ કિરમાણી સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ સાથે વંદે ભારત ટ્રેનમાં ભોપાલથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે થોડો સમય મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ટીમ ઈન્ડિયા ખિતાબ જીતશે, તેવી ભવિષ્યવાણી કરી હતી.
સેમીફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમે વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી આઠ મેચ રમી છે અને ટીમ ઈન્ડિયાએ આ તમામ મેચ જીતી છે. આ તમામ મેચમાં જીતને લઈ ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ ઉપરાંત ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ નેધરલેન્ડ સાથે 11 નવેમ્બરે રમાશે.


