ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરિઝ રમી રહી છે.સીરિઝની પહેલી મેચ રમાઈ ગઈ છે જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે.જ્યારે બે મેચ બાકી છે.આ વન-ડે સીરિઝ પછી,દક્ષિણ આફ્રિકા સામે T20I આંતરરાષ્ટ્રીય સીરિઝ પણ રમાશે. આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.દરમિયાન,ટીમ ઈન્ડિયાનો ખેલાડી હાર્દિક પંડ્યા વાપસીની તૈયારી કરી રહ્યો છે.એવા અહેવાલ છે કે તે સંપૂર્ણપણે ફિટ છે અને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે.
હાર્દિક પંડ્યાને બોલિંગ કરવાની મંજૂરી મળી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બોલિંગ કરવાની મંજૂરી મળી ગઈ છે. હાર્દિક પંડ્યા બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યો હતો, અને તે હવે પૂર્ણ થઈ ગયું છે. પંડ્યા 21 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી COEમાં હતો.તાજેતરના અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાને CoE દ્વારા T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની પરવાનગી આપવામાં આવી છે. તે બોલિંગ પણ કરી શકશે. હવે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રમવા માટે તૈયાર છે.જોકે, દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ પહેલા હાર્દિક પંડ્યા બે T20 મેચ પણ રમશે.તે 2 ડિસેમ્બરે પંજાબ સામે અને 4 ડિસેમ્બરે ગુજરાત સામે મેદાનમાં ઉતરશે.
પસંદગીકાર હાર્દિક પંડ્યા પર રાખશે નજર
હાર્દિક પંડ્યાની બોલિંગ,બેટિંગ અને મેચ ફિટનેસ પર પસંદગીકાર પ્રજ્ઞાન ઓઝા નજર રાખશે,જેને BCCI દ્વારા આ કાર્ય સોંપવામાં આવ્યું છે.એવી આશા છે કે પંડ્યા ન માત્ર તેની મેચ ફિટનેસ સાબિત કરશે પરંતુ મેચ વિનર પ્રદર્શન પણ કરશે.જોકે હાર્દિક પંડ્યાનું વાપસી સરળ નહીં હોય કારણ કે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ સામે રમશે.જેમાં અભિષેક શર્મા જેવા આક્રમક બેટ્સમેનનો સામેલ છે.પાછલી મેચમાં અભિષેકે બંગાળ સામે માત્ર 32 બોલમાં સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 16 છગ્ગા ફટકાર્યા હતા.
ગિલ અંગે અંતિમ અપડેટની રાહ જોવાઈ પડશે
આ દરમિયાન, શુભમન ગિલ અંગે ચિંતાઓ યથાવત છે. તે ક્યારે સંપૂર્ણ રીતે ફિટ થશે તે અંગે હજુ સુધી કોઈ સંકેત નથી. પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે શુભમન ગિલ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચવાનો છે, જ્યાં તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ પછી જ નક્કી કરવામાં આવશે કે તે ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ટી20 શ્રેણીનો ભાગ રહેશે કે નહીં. દરમિયાન, પીટીઆઈને બીસીસીઆઈના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ગિલને ઈન્જેક્શન આપવામાં આવ્યું છે અને તેને 21 દિવસનો આરામ અને પુનર્વસનની સલાહ આપવામાં આવી છે. બેંગલુરુમાં તાલીમ દરમિયાન ગિલની હિલચાલનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. બેટિંગ કરતી વખતે ગિલને કોઈ અસ્વસ્થતા અનુભવાઈ રહી છે કે નહીં તે પણ જાણી શકાયું નથી.


