- ભારત અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ
- બેંગાલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- નેધરલેન્ડ વિરુદ્ધ મેચમાં મોહમ્મદ સિરાઝ ઈજાગ્રસ્ત થયો
બેંગાલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે વનડે વર્લ્ડકપ 2023ની છેલ્લી લીગ મેચ રમાઈ રહી છે. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાને 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમશે. જે પહેલા મોહમ્મદ સિરાઝની ઈજાએ ટીમનું ટેન્શન વધારી દીધું છે. નેધરલેન્ડ વિરુદ્ધ મેચમાં મોહમ્મદ સિરાઝ ઈજાગ્રસ્ત થયો છે.
15મી ઓવરમાં સિરાઝ ઈજાગ્રસ્ત થયો
મોહમ્મદ સિરાઝ ઈનિંગની 15મી ઓવરમાં કુલદીપ યાદવના બોલ પર કેચ ચૂકી ગયો હતો. તે મિસ કેચથી સિરાઝને પણ ઈજા થઈ હતી. ઉંચો કેચ લેતી વખતે સિરાઝે પોતાના બંને હાથ ગળાની એકદમ નજીક રાખ્યા હતા. આ દરમિયાન સિરાઝજના હાથમાંથી બોલ નીકળી ગયો અને સીધો તેના ગળા પાસે અથડાયો હતો. જે બાદ ભારતીય બોલર પીડામાં જોવા મળ્યો હતો.
ICCએ ઘટનાનો વીડિયો શેર કર્યો
આ ઘટના બાદ સિરાઝ મેદાનની બહાર નીકળી ગયો હતો. આ ઘટના 15મી ઓવરના ત્રીજા બોલ પર બની હતી, જ્યારે સિરાઝે કુલદિપના બોલ પર ડચ બેટ્સમેન મેક્સ ઓડાઉદનો કેચ છોડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ICCએ શેર કર્યો છે. વિડિયોમાં સ્લો મોશનમાં પણ બતાવવામાં આવ્યું કે, સિરાઝને કેવી રીતે ગળામાં બોલ વાગ્યો છે.
અય્યર-રાહુલે શાનદાર ઈનિંગ રમી
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 4 વિકેટના નુકસાને 410 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ 50 રનનો આંકડો પાર કર્યો હતો, પરંતુ ચોથા નંબરના શ્રેયસ અય્યર અને પાંચમા નંબરના કેએલ રાહુલે સદી ફટકારી હતી. અય્યરે 94 બોલમાં 10 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 128 રન બનાવ્યા હતા, જ્યારે રાહુલે 64 બોલમાં 11 ફોર અને 4 સિક્સની મદદથી 102 રનની ઈનિંગ રમી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 208 રનની પાર્ટનરશિપ કરી હતી.


