થોડાં સમયથી રાજકોટ અને જૂનાગઢ આસપાસ આંટાફેરા કરતો હોવાની માહિતીના આધારે પોલીસે ગોઠવ્યો ‘ફાંસલો’
ચોક્કસ ટાર્ગેટ (વ્યકિત)ને ‘હેડ’ બનાવી ‘લાઇન’ ક્રોસ કરવાની ટેવ ધરાવતા ભરતને પકડવા પોલીસે તપાસ સઘન બનાવી
રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા એક કર્મનિષ્ઠ અને પ્રમાણિક આઇ.પી.એસ. અધિકારીને હડધૂત કરવા અને અત્યંત નિમ્ન કક્ષાના ચિતરવાના ગંભીર ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ભરત વશરામભાઈ રામાણી રાજકોટ અને જુનાગઢ પંથકમાં આંટાફેરા કરતો હોવાની બાતમી પોલીસને મળતા તેને દબોચવા માટે ‘ફાંસલો’ ગોઠવાયો હોવાનું જાણવા મળે છે. ચોક્કસ આશયથી ચોક્કસ વ્યક્તિને ‘હેડ’ બનાવીને તમામ ‘લાઇન’ ક્રોસ કરવાની ટેવ ધરાવતા આરોપી ભરત વશરામભાઈ રામાણી સામે બાયો ડિઝલનો પણ એક કેસ છે. એકસાથે બબ્બે ગુનામાં ભરત વશરામભાઈ રામણી નાસતો ફરે છે. ભરત વશરામભાઈ રામાણીને ઝબ્બે કરવા માટે એક નહીં પણ બબ્બે પોલીસ મથકનો સ્ટાફ કામે લાગ્યો છે. પ્રમાણિક આઇ.પી.એસ. અધિકારીને હડધૂત કર્યા અંગેના ગંભીર ગુના સહિત બબ્બે ગુનાઓથી ખરડાયેલા ભરત વશરામભાઈ રામાણીને દબોચવા માટે રાજકોટના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ બનાવવામા આવી હોવાનું તપાસનીશ અધિકારી આર.એસ.બારૈયાએ જણાવ્યું હતું.
શહેરના પેડક રોડ પર રણછોડનગર સોસાયટી શેરી નં.૨૯માં રહેતા તેમજ કુવાડવા રોડ પર પેટ્રોલ પમ્પના વ્યવસાય સાથે પણ જોડાયેલો ભરત વશરામભાઈ રામાણી રિયલ એસ્ટેટ સાથે પણ જોડાયેલો છે. ગુનાઓની દુનિયામાં હાલ તે ગંભીર પ્રકારના બે ગુનાઓમાં પોલીસ ચોપડે ચડેલો છે. છેલ્લાં પોણા બે વર્ષથી પોલીસને ચકમો આપીને નાસતો ફરે છે. પોલીસ તંત્રમાં ભરત વશરામભાઈ રામાણીની એક એવી છાપ છે કે તે ચોક્કસ ઇરાદે ‘હેડ’ બનીને પોતાનો ઇરાદો પાર પાડવા તમામ ‘લાઇન’ ક્રોસ કરી નાખવાની ટેવ ધરાવે છે. ચોક્કસ ટાર્ગેટને ‘હેડ’ બનાવીને ‘લાઇન’ ક્રોસ કરવાની તેમની આ માનસિકતાના લીધે જ હાલ બબ્બે ગુનામાં પોલીસ ચોપડે ચડેલો છે.
ભરત વશરામભાઈ રામાણી સામે એક કેસ એ-ડીવીઝનમાં છે તો બીજો કેસ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. એ પૈકી એક આઇ.પી.એસ કક્ષાના નિડર, નિષ્પક્ષ, પ્રમાણિક અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારીનું માન-સન્માન ઘવાય અને હડધૂત કરવા અંગેના એટ્રોસિટીના ગંભીર ગુનાના તપાસનીશ અધિકારી પી.એસ.આઇ. આર.એસ.બારૈયાના જણાવ્યા મુજબ ભરત વશરામભાઈ રામાણીને પકડવા માટે એ-ડીવીઝન અને બી-ડીવીઝન પોલીસ મથકની ટીમ કામે લાગેલી છે. તેનુ પગેરું જ્યા મળે ત્યા સ્ટાફ મોકલવામા આવે છે પરંતુ કોઇ એક જગ્યાએ સ્થિર નહીં રહી સતત લોકેશન બદલતો ભરત વશરામભાઈ રામાણી છટકી જાય છે.
દરમિયાન હમણા થોડા સમયથી રાજકોટ અને જૂનાગઢ પંથકમાં તેના આંટાફેરા વધી ગયા હોવાની પણ એક માહિતી મળતા ભરત વશરામભાઈ રામાણીને દબોચવા માટે પોલીસે ‘ફાંસલો’ ગોઠવ્યો હોવાનું જાણવા મળે છે.
ભરત રામાણીના પેટ્રોલ પમ્પ અને નિવાસસ્થાને ‘વોન્ટેડ’ની નોટિસ ચીપકાવાઇ
કુવાડવા રોડ પરના પેટ્રોલ પમ્પ અને રણછોડનગરના નિવાસસ્થાને પોલીસના સમયાંતરે છાપા
છેલ્લા પોણા બે માસથી નાસતો ફરતો ભરત વશરામભાઈ રામાણી ગુનેગાર છે અને પોલીસ ચોપડે વોન્ટેડ છે, તે હાજર થઇ જાય તે માટે ભરતના જેટલા આશ્રયસ્થાનો છે એ તમામ જગ્યાએ પોલીસે નોટિસ ચીપકાવી દીધી છે. ભરતના ધંધાકીય સ્થળ કુવાડવા રોડ પરના પેટ્રોલ પમ્પ પર તેમજ રણછોડનગર શેરી નં.૨૯માં આવેલા તેમના નિવાસસ્થાને પણ વોન્ટેડની નોટિસ ચીપકાવી આ બન્ને જગ્યાએ પોલીસના સતત છાપા ચાલુ રાખવામા આવ્યા છે.
રેગ્યૂલર ફોન નંબર પોણા બે વર્ષથી બંધ, નવા નંબર અને મોબાઇલ બદલ્યા રાખે
ભરત રામાણી કોઇને કોઇ રીતે તેમના પરિવાર સાથે સંપર્કમાં હોવાની પોલીસને આશંકા
ભરત વશરામભાઈ રામાણીનો જે રેગ્યૂલર મોબાઇલ નંબર છે એ તો છેલ્લા પોણા બે વર્ષથી બંધ જ આવે છે. પોલીસે વ્યક્ત કરેલી શંકા મુજબ ભરત રામાણી કોઇ બીજાના નામે સીમકાર્ડ અને મોબાઇલ બદલ્યા રાખે છે. ભરત વશરામભાઈ રામાણી તેમના પરિવાર સાથે કોના-કોના સંપર્કમાં રહે છે તે દિશામાં પણ પોલીસે તપાસ સઘન બનાવી છે.


