- તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર
- બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા કરી રહ્યા છે પ્રચાર
- નારાયણપેટમાં ભાજપની રેલીમાં KCR પર વરસ્યા નડ્ડા
તેલંગણામાં ચૂંટણી પ્રચારને લઇને ભાજપ પોતાની તમામ તાકાત એકઠી કરી રહ્યું છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે તેલંગાણાના લોકોને બીજેપીને સમર્થન આપવાની અપીલ કરી હતી.તેમણે નારાયણપેટમાં ભાજપની રેલીમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે કાલેશ્વરમ સિંચાઈ પ્રોજેક્ટ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવ માટે “એટીએમ તરીકે કામ કરે છે” અને તે “ભ્રષ્ટાચારનું પ્રતીક” બની ગયું છે. તેમણે કહ્યું કે તેલંગાણામાં સત્તામાં આવ્યા બાદ ભાજપ પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરશે અને દોષિતોને જેલમાં મોકલશે.
BRS 30 ટકા કમિશનવાળી સરકાર
તેલંગાણામાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે બીઆરએસ સરકાર 30 ટકા કમિશનવાળી સરકાર છે. તેમણે દાવો કર્યો હતો કે 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યા પછી BRSને પેકઅપ કરવું પડશે. નડ્ડાએ શાસક પક્ષના ધારાસભ્યો પર રાજ્ય સરકારની ‘દલિત બંધુ’ યોજનામાં 30 ટકા કમિશન વસૂલવાનો આરોપ લગાવ્યો હતો.
30 ટકા કમિશન લેવાનો આરોપ
BRS ધારાસભ્યો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા નડ્ડાએ પૂછ્યું, “શું BRS ધારાસભ્યોએ દલિત બંધુ યોજનાની રકમમાં 30 ટકા કમિશન નથી લીધું? શું તમે (KCR) ધારાસભ્યોની બેઠકમાં કહ્યું ન હતું કે ધારાસભ્યો 30 ટકા કમિશન લે છે? તેમણે જનતાને ભાજપને સમર્થન આપવા અપીલ કરી અને કહ્યું કે 30 ટકા કમિશન આપતી સરકારને નવેમ્બરમાં વિદાય આપી દેવી જોઇએ. પ્રદેશમાં ભાજપની સરકારને ચૂંટવી જોઇએ.