- કોલકાતા ખાતેની નોકઆઉટ મેચ પહેલાં બાવુમા ફિટ થાય તેવી આશા
- ટેમ્બા બાવુમાનું વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમવું શંકાસ્પદ બન્યું
- અફઘાનિસ્તાન સામેની મેચમાં સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી
સાઉથ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમાનું વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમવું શંકાસ્પદ બન્યું છે. શુક્રવારે અફઘાનિસ્તાન સામેની મેચમાં સ્નાયુ ખેંચાઇ (હેમસ્ટ્રિંગ) જવાની ઇજા થઇ હતી. આ મેચમાં આફ્રિકન ટીમે પાંચ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ફિલ્ડિંગ વખતે બાવુમાએ નવ બોલ બાદ મેદાન છોડયું હતું અને તે ચાર ઓવર બાદ પરત ફર્યો હતો. તેણે મોટા ભાગે મિડ ઓફ ઉપર ફિલ્ડિંગ ભરી હતી અને આ દરમિયાન તે ખોડંગાતો હોય તેવું દેખાતું હતું. ફિલ્ડિંગ વખતે તે બોલની પાછળ પણ સાવચેતીથી દોડતો હતો. બેટિંગમાં પણ તેને સિંગલ રન લેતી વખતે સમસ્યા નડતી હતી. બાવુમાએ જણાવ્યું હતું કે સ્નાયુ ખેંચાઇ જવાના કારણે મને દોડવામાં મુશ્કેલી પડતી હતી. અંતિમ લીગ મેચ હોવાના કારણે કોઇ સમસ્યા સર્જાશે તેવું લાગતું નથી. આગામી મેચ પહેલાં મને પૂરતો આરામ મળી જશે અને નોકઆઉટ મેચ માટે હું સંપૂર્ણ ફિટ થઇ જઇશ તેવી મને આશા છે. ફિલ્ડિંગનો સમય મારા માટે જોખમ હતો પરંતુ હું ખેલાડીઓની સાથે રહેવા માગતો હતો. બાવુમા કોલકાતા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં રમી નહીં શકે તો તેની ગેરહાજરીમાં એડન માર્કરામ ટીમનું નેતૃત્વ કરશે.


