રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
લુ લાગવાથી બિમાર પડતા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા તંત્ર સજ્જ: પાંચ અનુભવી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને ફરજ સોંપાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ તાપમાનનો પારો 41 ડીગ્રીને પાર થયો છે. આકરી ગરમી અને ગરમ લૂના કારણે શહેરીજનો અકળાઈ રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. અને લૂ લાગવાથી કે હીટ સ્ટ્રોકને કારણે બીમાર પડતા લોકોની ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર માટે હોસ્પિટલ દ્વારા ખાસ 20 બેડનો વોર્ડ ઉભો કરાયો છે. જેમાં 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ માત્ર શહેર પૂરતી મર્યાદિત નથી, પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીં સારવાર અર્થે આવતા હોય છે. આ બાબતને ધ્યાને લઈ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ઉપર, વોર્ડ નં. 10ના બિલ્ડિંગમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે એક અલાયદો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં કુલ 20 જેટલા બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગંભીર બીમારીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી 5 અનુભવી તબીબો અને 10 નર્સિંગ સ્ટાફ સહિતના પેરા મેડિકલ સ્ટાફને 24 કલાક ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યા છે. વોર્ડમાં ઓ.આર.એસ (ORS) ના પેકેટ, જરૂરી જીવનરક્ષક દવાઓ અને ઠંડકની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
રાજકોટ સિવિલનાં આરએમઓ એમ.એસ. રોયના જણાવ્યું હતું કે, વધતી જતી ગરમીને કારણે હીટવેવના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના મેડિકલ વોર્ડ 10માં હીટવેવના દર્દીઓ માટે સ્પેશિયલ 20 બેડની સુવિધા સાથેનો નવો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં હીટવેવના દર્દીઓની સારવાર માટે 10 નર્સિંગ સ્ટાફ અને 5 ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હીટવેવના દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે દવાનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, દર્દીઓની જરૂરિયાત મુજબ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત અન્ય વોર્ડ ઉપરાંત હીટવેવ માટે આ સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને ગરમીના કારણે કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગરમી વધતા સામાન્ય રીતે લૂ લાગવી, હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કિસ્સાઓ વધતા હોય છે. આવા સમયમાં જો દર્દીને સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ માટે સિવિલ હોસ્પિટલનું તંત્ર હાલ સતર્ક અને જરૂરી સાધન-સામગ્રી સાથે તૈયાર છે.
આ સાથે જ હોસ્પિટલ તંત્ર દ્વારા સામાન્ય જનતાને પણ ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીના સમયગાળામાં, જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તો મજૂર વર્ગને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ શક્ય હોય તો વહેલી સવારે અથવા મોડી સાંજે કામ કરે અને બપોરે 12 થી 4 ના અસહ્ય તડકાથી બચે.
તબીબોના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિને ઉલટી-ઉબકા આવે, ચક્કર આવે, આંખે અંધારા લાગે અથવા અચાનક ગભરામણ જેવો અનુભવ થાય, તો તેણે તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય બહારના ઠંડા પીણાં કે ખુલ્લો ખોરાક ખાવાને બદલે શુદ્ધ પાણી, છાશ અને ઘરના તાજા ખોરાકનો આગ્રહ રાખવો જોઈએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં દર્દીઓનો ધસારો રહે છે, પરંતુ તંત્ર દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે દરેક દર્દીને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે.


