- હોળી પછી ગરમી તોબા પોકારાવશે
- દક્ષિણ ભારતમાં તો અત્યારથી જ તાપમાનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે
- દેશમાં ઠંડીની વિદાય બાદ વસંત વિના સીધી જ ગરમીની શરૂઆત થઇ રહી છે
દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમીની શરૂઆત થોડી વહેલી થશે. હોળી બાદથી જ ઉત્તર અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં લૂની અસર જોવા મળી શકે છે જ્યારે દક્ષિણ ભારતમાં તો અત્યારથી જ તાપમાનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી તાપમાન ઊંચું જઇ રહ્યું છે. દક્ષિણ ભારતના તમામ રાજ્યોથી લઇને મહારાષ્ટ્ર અને ઓડિશામાં દિવસનું તાપમાન ચારથી છ ડિગ્રી વધુ એટલે કે 33 ડિગ્રી સે.થી ઉપર નોંધાઇ રહ્યું છે. હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયાથી તાપમાન વધવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો પણ આ વખતે તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી જ તાપમાન વધવા લાગ્યું છે. ગત વર્ષે દક્ષિણ ભારતમાં 3 માર્ચથી લૂની શરૂઆત થઇ હતી, જે મે મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી રહી હતી જ્યારે 2022માં 11 માર્ચથી લૂ શરૂ થઇ હતી અને જૂનના પહેલા અઠવાડિયા સુધી રહી હતી. ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં પ્રી-મોનસૂન સીઝનમાં તાપમાન વધવાનો છેલ્લા બે વર્ષથી જે ટ્રેન્ડ છે તે આ વખતે પણ જારી રહી શકે છે. દેશમાં ઠંડીની વિદાય બાદ વસંત વિના સીધી જ ગરમીની શરૂઆત થઇ રહી છે. અલ નિનો ઇફેક્ટને કારણે પ્રશાંત મહાસાગર જ નહીં, બંગાળના અખાત અને અરબી સમુદ્રની સપાટીનું તાપમાન પણ છેલ્લા એક વર્ષના સરેરાશ તાપમાનથી વધુ છે. વર્લ્ડ મીટિરોલોજિકલ ઓર્ગેનાઇઝેશને (WMO) અને નાસાના વિજ્ઞાનીઓએ પણ 2024માં હવામાનની સ્થિતિ અંગેનું એલર્ટ જારી કર્યું છે. 2016ની તુલનાએ 2023 સૌથી ગરમ વર્ષ રહ્યું હતું.


