ગત દિવસોમાં ઉતરપ્રદેશના નોઈડાથી ૨૬ લોકોને ટ્રેકિંગ માટે લઈને જઈ રહેલો એક ટેમ્પો રુદ્રપ્રયાગ નજીક અલકનંદા નદીમાં ખાબકતા તેમાં સવારી કરી રહેલા લોકોમાંથી ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતાં. રુષિકેશ બદ્રીનાથ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ૮૦૦ ફીટ જેટલો ઉંડે ખીણમાં પડી જતાં ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતાં. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. નોઈડાના રામકથાના શ્રોતાઓ દ્વારા આ ઘટનાની વિગતો મેળવવામાં આવી રહી છે અને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થયે તેમના પરિવારજનોને રાશિ પહોંચાડવામાં આવશે. અરવિંદભાઈ અગ્રવાલ અને તેમના સહયોગીઓ આ કાર્યમાં સેવારત છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.


