બેલારુસની સ્ટાર ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કોએ કારકિર્દીમાં પ્રથમ વખત બેસ્ટ ડબ્લ્યૂટીએ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. સબાલેન્કોએ ચાલુ વર્ષે બે ગ્રાન્ડસ્લેમ જીતવા ઉપરાંત વિમેન્સ સિંગલ્સમાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે સિઝનનું સમાપન કર્યું છે. સબાલેન્કોએ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાના ટાઇટલનું સફળ રીતે ડિફેન્સ કર્યું હતું.
તેણે સપ્ટેમ્બરમાં યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં તેણે પોલેન્ડની ઇગા સ્વિયાતેકને પાછળ રાખીને નંબર-1નો તાજ હાંસલ કર્યો હતો. તેણે ચાલુ વર્ષે સિનસિનાટી તથા વુહાન ઓપન સહિત કુલ ચાર ટાઇટલ જીત્યા હતા.
ઇટાલીની ઓલિમ્પિક ચેમ્પિયન સારા ઇરાની અને જાસ્મિન પાઓલિની વર્ષની બેસ્ટ ડબલ્સ પાર્ટનર જાહેર થઈ હતી. અમેરિકાની ઇમા નવારો મોસ્ટ ઇમ્પ્રૂવ્ડ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ જીતવામાં સફળ રહી છે. 2023ના અંતમાં નવારો 38મા ક્રમાંકે હતી પરંતુ તેણે સપ્ટેમ્બર 2024માં ટોપ-10માં સ્થાન મેળવ્યું હતું. તેણે હોબાર્ટ ઓપન જીતવા ઉપરાંત છ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ન્યૂઝીલેન્ડની લૂલૂ સુન ક્વાલિફાયર તરીકે રમીને વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા બાદ સતત પોતાની રમતમાં સુધારો કર્યો છે અને તે ન્યૂ કમર ઓફ યરના એવોર્ડથી સન્માનિત થઈ છે. જાન્યુઆરીમાં તે ટોપ-200 પ્લેયર્સમાં હતી અને સિઝનના અંતે તે 40મા ક્રમે પહોંચી ગઈ છે. અગાઉ બીજા ક્રમે પહોંચી ચૂકેલી સ્પેનની પાઉલા બડોસા કમબેક પ્લેયર ઓફ ધ યર બની છે. પીઠની વિવિધ સમસ્યાના કારણે 2023માં તેની કારકિર્દી જોખમમાં મુકાઈ હતી પરંતુ તેણે ટેનિસ કોર્ટ ઉપર પ્રભાવશાળી પુનરાગમન કરીને વોશિંગ્ટન ઓપનનું ટાઇટલ જીતવા ઉપરાંત યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલ સુધી સફર ખેડી હતી. તેણે 12મા ક્રમાંક સાથે સિઝનનું સમાપન કર્યું છે.


