બ્રિસબેન ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટમાં 24 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા નોવાક જોકોવિચના નેતૃત્વમાં 61 પ્રોફેશનલ ટેનિસ ખેલાડીઓની સ્ટાર સ્ટડેડ લાઇન-અપ જાહેર કરી છે. પેટ રાફ્ટર એરિના ખાતેની આ ટૂર્નામેન્ટ 29મી ડિસેમ્બરથી રમાશે. 10 વખતનો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન તથા 99 ટાઇટલ જીતી ચૂકેલો જોકોવિચ 2009 બાદ પ્રથમ વખત બ્રિસબેનમાં રમશે.
આ ટૂર્નામેન્ટ પણ 2009માં શરૂ થઇ હતી. 2024નું વર્ષ જોકોવિચ માટે નિરાશાજનક રહ્યું હતું. તે ચારેયમાંથી એક પણ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો નહોતો પરંતુ તેણે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સર્બિયન ખેલાડી હવે કારકિર્દીમાં વિક્રમી 25મા ગ્રાન્ડસ્લેમને જીતવાની બ્રિસબેન ઓપન દ્વારા તૈયારી કરશે. ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગ્રિગોર ડિમિટ્રોવ, હોલ્ગર રુને તથા ફ્રાન્સિસ્કો ટિયાફોઇ પણ ભાગ લેશે. નિક કિર્ગિયોસ, એલેક્સી પોપિરિન, જોર્ડન થોમ્પસન, સેબાસ્ટિયન કોર્ડા, માતેઓ બેરેટોની તથા ગેલ મોનફિલ્સ પણ આ ટૂર્નામેન્ટ માટે નોમિનેટ થયા છે. 13મી ઓક્ટોબરે જાનિક સિનર સામે હાર્યા બાદ જોકોવિચ પ્રોફેશનલ ટેનિસ રમ્યો નથી.


