ઇટાલીના જાનિક સિનરે અમેરિકાના ટેલર ફિત્ઝને સીધા સેટમાં 6-4, 6-4થી હરાવીને એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. વિશ્વના સર્વશ્રોષ્ઠ આઠ ખેલાડીઓ વચ્ચે રમાતી વર્ષની છેલ્લી મેજર ટેનિસ ટૂર્નામેન્ટને જીતનાર સિનર ઇટાલીનો પ્રથમ ખેલાડી પણ બન્યો છે.
મેન્સ સિંગલ્સમાં વિશ્વના પ્રથમ ખેલાડી સિનરે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન તથા યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. આ દરમિયાન તેણે વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડીની ટ્રોફી પણ હાંસલ કરી હતી. સિનર અને ફિત્ઝ વચ્ચે તાજેતરના સમયમાં ત્રીજો મુકાબલો થયો હતો અને ત્રણેયમાં ઇટાલિયન ખેલાડીએ વિજય મેળવ્યા હતા. આ ટૂર્નામેન્ટના ગ્રૂપ તબક્કમાં પણ બંને ખેલાડી આમનેસામને થયા હતા જેમાં પણ સિનરે સમાન સ્કોર 6-4, 6-4થી વિજય હાંસલ કર્યો હતો. તેણે ફાઇનલ્સના બંને સેટમાં ફિત્ઝની એક-એક વખત સર્વિસ બ્રેક કરી હતી.
ફિત્ઝે સેમિફાઇનલમાં બે વખતના વિજેતા જર્મનીના એલેકઝાન્ડર ઝેવરેવેને હરાવ્યો હતો. ડોપિંગના કારણે સિનર ચાલુ વર્ષે વિવાદો અને ચર્ચામાં પણ રહ્યો હતો. તે ડોપિંગમાં બે વખત પોઝિટિવ આવ્યો હતો. એટીપી ફાઇનલ્સની ડબલ્સમાં જર્મનીના ટિમ પુએત્ઝ અને કેવિન ક્રાવિટ્ઝે ટ્રોફી જીતી હતી. બંનેએ ફાઇનલમાં ક્રોએશિયાના મેટ પાવિચ અને અલ સાલ્વાડોરના માર્સેલો એરેવાલોની જોડીને 7-6 (7-5), 7-6 (8-6)થી પરાજય આપ્યો હતો.