વર્ષની પહેલી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિશ્વની નંબર એક ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ સ્લોન સ્ટીફન્સને સીધા સેટોમાં પરાજય આપીને પહેલા રાઉન્ડમાં જીત મેળવી હતી. સબાલેન્કાએ પોતાની હરીફને 6-3, 6-2થી પરાજય આપ્યો હતો. સબાલેન્કાએ સતત ત્રીજા ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબને જીતવા માટેના પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી.
મેચમાં જીત બાદ સબાલેન્કાએ મેદાન પર ડાન્સ કરીને પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યુ હતું. સબાલેન્કાની સાથે પૂર્વ ટેનિસ સ્ટાર જેલેના ડોકિકે પણ કોર્ટ પર ડાન્સ કર્યો હતો. સબાલેન્કા ખિતાબ જીતીને માર્ટિના હિંગીસના ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલને જીતવાની હેટ્રીકના રેકોર્ડની બરાબરી કરી શકે છે.ઓલિમ્પિક ચેમ્પિયન ઝેંગ કિનવેને રવિવારે ઇન્ડોર સ્ટેડિયમની પરિસ્થિતિઓનો ભરપૂર ફાયદો ઉઠાવતા સીધા સેટમાં જીત મેળવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના પહેલા દિવસે ઘણી મેચ રમાઇ શકી નહોતી કારણ કે ઇનડોર સુવિધાઓમાં કેટલીક મેચોનું આયોજન શક્ય થઇ શક્યું નહોતું.
ઓલિમ્પિક ચેમ્પિયન ઝેંગએ રવિવારે રોમાનિયના ક્વોલિફાયર ખેલાડી એન્કા ટોડોનીને 7-6 (3), 6-1થી સીધા સેટોમાં પરાજય આપ્યો હતો. ભારે વરસાદને કારણે આઉટડોર કોર્ટ પર રમતો સ્થગિત થવા વચ્ચે ઝેંગ અને મીરાએ પહેલી મેચમાં જીત મેળવી હતી. જોકે, 22 વર્ષીય ઝેંગને ટોડોની સામે પહેલા મુકાબલામાં જીત મેળવવા માટે લગભગ બે કલાક સુધી સંઘર્ષ કરવો પડયો હતો. 14મો ક્રમાંક ધરાવતી મીરા એન્ડ્રીવાએ પ્રારંભિક મેચમાં મેરી બોજકોવાને સીધા સેટમાં 6-3, 6-3થી સરળતાથી પરાજય આપ્યો હતો.


