એસ ટેનિસ એકેડેમી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી રમાતી આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા દિવસે વિધી જાનીએ કેનેડાની સેલિન વેકાલાપુડ્ડી સામે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. 16 વર્ષીય વિધીએ પ્રથમ સેટમાં કરેલી કેટલીક સામાન્ય ભૂલના કારણે કેનેડિયન ખેલાડી સેલિને પ્રથમ સેટ 6-3થી જીત્યો હતો પરંતુ વિધીએ પોતાની રિધમ તથા ફોર્મ હાંસલ કરીને આક્રમક સર્વિસનું પ્રદર્શન કરીને બીજો સેટ 6-1થી પોતાના નામે કર્યો હતો.
નિર્ણાયક ટાઇબ્રેકરમાં પ્રત્યેક પોઇન્ટ ઉપર વિધીએ કુનેહપૂર્વક હરીફ ખેલાડીને સતત દબાણમાં રાખીને 10-7થી વિજય મેળવ્યો હતો. રિચા ચોગુલેએ લક્ષ્મી ગૌડા સામે કોઇ પણ મુશ્કેલી વિના 6-4, 6-1થી વિજય હાંસલ કરીને પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો. અન્ય મુકાબલામાં બપાય પનવારે અમોદિની નાયકને 6-3, 7-5થી, સાહિરા સિંગે અનુષ્કા ભોલાને 6-4, 6-3થી, જોેએલ નિકોલે ગુજરાતની શૈલી ઠક્કરને 6-2, 6-4થી, ચેવકા સામાએ ચંદના પોટુગારીને 6-1, 6-4થી, રશિયાની વાલેરિયા મોન્કોએ નેમ્હા કિસપોટ્ટાને 6-4, 6-3થી, સેજલ ભટુડાએ ઇરા શાહને 7-5,6-2થી, અદિતી રાવતે સંજના શ્રીમાલાને 6-2, 6-4થી તથા કશીશ ભાટિયાએ રિયા સચદેવને 6-4, 6-4થી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો.


