– નાના રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય
– ગ્રામ્ય બેન્કો માટે બલ્ક ડિપોઝિટસની મર્યાદા રૂપિયા એક લાખથી વધારી રૂ. એક કરોડ કરાઇ
Updated: Oct 28th, 2023
મુંબઈ : રૂપિયા એક કરોડ સુધીની દરેક ટર્મ ડિપોઝિટસમાં પાકતી મુદત પહેલા નાણાં ઉપાડવાની બેન્કોએ થાપણધારકોને છૂટ આપવાની રહેશે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના એક નોટિફિકેશનમાં જણાવાયું છે. નોન-કોલેબલ ફિક્સ્ડ ડિપોઝિટની લઘુત્તમ મર્યાદા રૂપિયા ૧૫ લાખથી વધારી રૂપિયા એક કરોડ કરવાનો રિઝર્વ બેન્કે નિર્ણય કર્યો છે. આમ વ્યક્તિઓ પાસેથી સ્વીકારાયેલી રૂપિયા એક કરોડ કે તેનાથી નીચેની દરેક ટર્મ ડિપોઝિટસ પર પાકતી મુદત પહેલા નાણાં ઉપાડી લેવાની સવલત પૂરી પડાશે.
પાકતી મુદત પહેલા પાછી ન ખેંચી શકાય તેવી ડિપોઝિટસ પર ઊંચા વ્યાજ દર ઓફર કરવાની રિઝર્વ બેન્કે આ અગાઉ પરવાનગી આપી હતી. વ્યાજ દરમાં વધારો થઈ રહ્યો હોય તેવી સ્થિતિમાં બેન્કોને પાકતી મુદત પહેલા તોડી ન શકાય તેવી ડિપોઝિટસ પર ઊંચા વ્યાજ દર ઓફર કરવા બેન્કોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
વ્યાજ દર વધે ત્યારે નોન-કોલેબલ ડિપોઝિટસને થાપણધારક અધવચ્ચે તોડી શકતો નથી. ઈલિક્વિડ અથવા નોન-કોલેબલ ડિપોઝિટસ પર થાપણધારકને સાધારણ ઊંચુ વ્યાજ મળે છે.
નાના રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે નોન-કોલેબલ ડિપોઝિટસના લઘુત્તમ કદને વધારવામાં આવ્યું હોવાનું બેન્કો માની રહી છે. કમર્સિઅલ તથા સહકારી બેન્કો માટે આ નવું ધોરણ તાત્કાલિક રીતે અમલમાં આવ્યું છે.
અન્ય એક નોટિફિકેશન પ્રમાણે રિઝર્વ બેન્કે ગ્રામ્ય બેન્કો માટે બલ્ક ડિપોઝિટસની મર્યાદા રૂપિયા એક લાખથી વધારી રૂપિયા એક કરોડ કરી છે.