જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન કેન્દ્ર ડાલ લેકમાં સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. તો હાઉસબોટમાં આગ લાગવાથી બાંગ્લાદેશના ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા. પ્રવાસીઓ ડાલ સરોવર પર ‘સફીના’ હાઉસબોટમાં રોકાયા હતા, જે આગમાં અન્ય ચાર હાઉસબોટ સાથે સંપૂર્ણપણે નાશ પામી હતી.
ડાલ સરોવરની જેટી નંબર 9 પાસે એક હાઉસબોટમાં આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ફેલાઈ હતી અને અન્ય હાઉસબોટ અને 7 રહેણાંક ઝૂંપડાઓ અને પડોશી ઘરો પણ બળીને રાખ થઈ ગયા હતા.
શ્રીનગર પોલીસ, SDRF, પ્રવાસી પોલીસ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી, 8 લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આરએમ બાગ પોલીસ સ્ટેશનમાં આગની ઘટનાની જાણ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.