અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. માત્ર “સામે જોવા” જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ત્રણ શખ્સોએ તલવારો સાથે જાહેર માર્ગ પર આતંક મચાવી વિસ્તારને બાનમાં લીધો હતો. જોકે, ગોમતીપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે.
નજીવી બાબતે તલવારો નીકળી
ઘટનાની વિગતો મુજબ, ગત 19મી તારીખના રોજ ગોમતીપુરની છોટાલાલની ચાલી પાસે આ હંગામો થયો હતો. ફરિયાદી ઈકબાલ પઠાણ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પડોશમાં જ રહેતા અન્સારી પરિવારના સભ્યોએ “મારી સામે કેમ જુએ છે?” તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આરોપીઓ ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ગયા હતા. તેમણે ફરિયાદીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અફસર અન્સારી, મેરાજ અન્સારી, ફેજલ અન્સારી આ ત્રણેય આરોપીઓ કાકા-ભત્રીજા થાય છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ રીઢા ગુનેગારો છે. તેમના વિરુદ્ધ અગાઉ પણ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચોરી, મારામારી અને ઝઘડાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
2023ની જૂની અદાવતનું પરિણામ
પોલીસ તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે ફરિયાદી ઈકબાલ પઠાણ અને આરોપીઓ વચ્ચે વર્ષ ૨૦૨૩માં પણ ઝઘડો થયો હતો. એ જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આરોપીઓએ ફરી એકવાર તક મળતા જ હુમલો કર્યો હતો અને વિસ્તારમાં પોતાની દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ભણાવ્યા કાયદાના પાઠ
જાહેરમાં તલવારો લહેરાવીને આતંક મચાવનારા આ અસામાજિક તત્વોનો વીડિયો અને ફરિયાદના આધારે પોલીસે ત્વરિત એક્શન લીધા હતા. ત્રણેયની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.


