રાજકોટમાં અત્યાર સુધી ટેસ્ટ મેચ નથી હાર્યું ભારત
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં નિરંજન શાહની ઉપસ્થિતીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રોમાંચક ટેસ્ટ મેચની શરૂઆત થઇ ગઇ છે. આ મેચ પહેલા સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રમાં ક્રિકેટના વિકાસ માટે સિંહફાળો આપનાર નિરંજન શાહ પરથી સ્ટેડિયમનું નામ રખાયું હતું. ઉપરાંત ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રાજકોટના બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા એક ભવ્ય સમારંભમાં જાડેજા અને પુજારાનું ભારતીય ટીમમાં એક દાયકા કરતાં વધુ સમયના યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ પાંચ મેચની સિરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડે 1-1 મેચ જીતી છે અને હાલ સિરીઝ બરાબરી છે ત્યારે બંને ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વની છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે આ મેચ દ્વારા ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. ટેસ્ટની સાથે બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યુ કરી રહ્યા છે.ભારતીય ટીમમાં ત્રીજી ટેસ્ટ માટે કુલ ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. જ્યારે અક્ષર પટેલ અને મુકેશ કુમાર બહાર છે. આ સિવાય સરફરાઝ અને ધ્રુવ જુરેલે પણ ડેબ્યુ કર્યું છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમે બે ટેસ્ટ મેચ રમી છે. અહીં પ્રથમ ટેસ્ટ મેચ નવેમ્બર 2016માં રમાઈ હતી. આ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ડ્રો થઈ હતી. તે મેચમાં ઈંગ્લેન્ડના જો રૂટ અને બેન સ્ટોક્સે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. બંને ખેલાડીઓ આ વખતે ટીમના સભ્ય છે. જ્યારે ભારત તરફથી મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ સદી ફટકારી હતી. આ વખતે આ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.