- બ્લૂ ઓરિજિનના મિશનના ભાગરૂપે ગોપીચંદ અને પાંચ અન્ય રવિવારે સ્પેસમાં ગયા હતા
- આંધ્રપ્રદેશમાં જન્મેલા ગોપીચંદ થોટાકુરાએ સ્પેસનો પ્રવાસ કરીને ઇતિહાસ રચી દીધો
- 1984માં ભારતીય સેનાના વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ સ્પેસમાં જનારા બીજા ભારતીય બની ગયા
ભારતીય મૂળના પાઇલટ ગોપીચંદ થોટાકુરા સહિત છ લોકોએ રવિવારે સ્પેસની સહેલ કરી હતી. ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની કંપની બ્લૂ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટ અને કેપ્સ્યૂલ (એનએસ-25)એ તમામ છ અવકાશયાત્રીઓ સહિત અમેરિકાના પશ્ચિમ ટેક્સાસથી રવિવારે સવારે ઉડાન ભરી હતી. તેની સાથે જ ભારતીય મૂળના પાઇલટ ગોપીચંદ થોટાકુરાએ બ્લૂ ઓરિજિનના એનએસ-25 મિશનના ભાગરૂપે સ્પેસમાં જનારા પહેલા ભારતીય પર્યટક બનીને
ઇતિહાસ રચી દીધો હતો. બ્લૂ ઓરિજિને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં થોટાકુરા સ્પેસમાં એક નાનો ભારતીય તિરંગો દેખાડતા જોવા મળ્યા હતા. છ લોકોની આ ટીમમાં અમેરિકાના પહેલા અશ્વેત અવકાશ યાત્રી તરીકે પસંદ કરાયેલા 90 વર્ષીય એડ ડ્વિટ પણ સામેલ હતા. તેમણે લગભગ 60 વર્ષ બાદ સ્પેસ માટે ઉડાન ભરી હતી.
ગોપીચંદ કોણ છે?
આંધ્રપ્રદેશમાં જન્મેલા ગોપીચંદ થોટાકુરાએ સ્પેસનો પ્રવાસ કરીને ઇતિહાસ રચી દીધો છે. તેઓ 1984માં ભારતીય સેનાના વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ સ્પેસમાં જનારા બીજા ભારતીય બની ગયા છે. તેની સાથે જ તેઓ પહેલા ભારતીય સ્પેસ ટૂરિસ્ટ પણ બન્યા છે. ગોપી એક પાઇલટ અને એવિએટર છ. તેઓ આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઇલટ તરીકે કામ કરી ચૂક્યા છે. આંધ્રપ્રદેશમાં જન્મેલા ગોપીચંદ એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થયા છે.


