- મળવાપાત્ર લાભ માટે કર્મચારીએ પિટિશન કરવી પડે તે કેવું ?
- વિવિધ વિભાગોના નિવૃત્ત કર્મચારી મુદ્દે ઉદાસીનતાનો કોર્ટે ખુલાસો માગ્યો
- સરકારના આ પ્રકારના ગંભીર ઉદાસીન વલણને લઇ હાઇકોર્ટે ભારે ટીકા પણ કરી હતી
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરી નિવૃત્ત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ પછીના લાભો ચૂકવવામાં સરકારી તંત્ર તરફથી થતાં ઠાગા-ઠૈયાને લઇ ગુજરાત હાઇકોર્ટે આજે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. સરકારના આ પ્રકારના ગંભીર ઉદાસીન વલણને લઇ હાઇકોર્ટે ભારે ટીકા પણ કરી હતી અને આ સમગ્ર મામલે રાજય સરકારનો જરૂરી ખુલાસો માંગ્યો હતો.
રાજય સરકારના વિવિધ વિભાગોમાં જીવનભર નોકરી કરી નિવૃત્ત થતા લોકોને તેમની નિવૃત્તિ વયમાં પણ પેન્શન, નિવૃત્તિના મળવાપાત્ર લાભો મેળવવા માટે હાઇકોર્ટમાં રિટ કરવી પડે એ બાબતને લઇ હાઇકોર્ટે ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું. હાઈકોર્ટએ કેસની સુનાવણી દરમ્યાન માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ખુદ રાજય સરકાર માટે વર્ષો સુધી કામ કરી ચૂકેલા વ્યકિતઓને તેમની નિવૃત્તિના મળવાપાત્ર લાભોથી વંચિત રાખવા એ ભારે અન્યાય સમાન કહી શકાય. એટલે સુધી કે, કોર્ટના હુકમો બાદ પણ તેની વર્ષો સુધી અમલવારી નહી થતાં હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી.
આવા કિસ્સાઓમાં કોર્ટ દ્વારા હુકમ થઇ જાય પછી પણ સરકારી વિભાગો દ્વારા નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર લાભો અને નિવૃત્તિ લાભો ચૂકવવામાં થતી કનડગત અને ઠાગા-ઠૈયાને લઇ હાઈકોર્ટએ સરકારી તંત્રના આવા બેદરકારીભર્યા વલણને બહુ ગંભીરતાથી લીધો હતો અને આ સમગ્ર મામલે ખુલાસો કરવા રાજય સરકારના પ્રિન્સીપાલ સેક્રેટરી કક્ષાના અધિકારીને સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.


