વિવેકાનંદ યુથ કલબ દ્વારા યોજાયો કાર્યક્રમ
થેલેસેમિયા પીડિત બાળકોએ વેલકમ ન્યુ યર કાર્યક્રમને મન ભરીને માણ્યો
તમામને નાસ્તો અને ભોજન પીરસ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરની સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા કુદરતે પણ જેમની સાથે અન્યાય કરેલ છે, રક્ત જેમનો ખોરાક છે તેવા થેલેસેમીયા પીડિત બાળકો અને પરિવારજનો માટે શહેરના જાણીતા બાળ રોગ નિષ્ણાત તબીબ સ્વ.ડો.મનોરમાબેન મહેતા પરિવારના સહયોગથી રાજપૂતપરમાં આવેલ મોઢ વણિક બોર્ડિંગમાં આનંદોત્સવ અને વેલકમ ન્યૂ ઇયર કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં થેલેસેમિક બાળકો અને પરિવારજનો સહિત ચારસો જેટલા લોકો હાજર રહેલ અને ખૂબ ઉત્સાહ આનંદ ઉલ્લાસભર્યા વાતાવરણમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં રજિસ્ટ્રેશન તેમજ બધા માટે સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ. બાળકો લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રમતો રમ્યા, ડાન્સ કર્યા, રાસગરબાની રમઝટ બોલાવી, શનેડો ટીટોડો રમ્યા,ગીતો ગાયા,વાર્તા જોક્સ કર્યા હતાં. બાળકોને રમતો રમાડી એનાઉનસર કિરીટભાઈ પી જોશીએ આનંદ કરાવ્યો હતો.
તમામ થેલેસેમિક બાળકોને દાતાઓ મુંબઈ નિવાસી રાજેશભાઈ સેજપાલ, વર્ષાબેન કિરીટભાઈ પાંધી, સ્વ.અનિલભાઈ કવા પરિવાર, અરવિંદભાઈ પારેખ, મિતેશભાઈ ઓંધીયા, એક અનામી દાતા અને ભોળાનાથના ભક્ત તરફથી સાત વસ્તુઓ ફૂલસ્કેપ બુક, વોટર બેગ, લંચ બોક્સ સહિતની વસ્તુઓ ગિફ્ટમાં આપવામાં આવ્યા હતાં.
થેલેસેમિક બાળકોને પ્રોત્સાહિત કરવા અને આશીર્વચન આપવા માનવતાપ્રેમી સ્વજનો જૈન શ્રેષ્ઠી ભીખુભાઈ દેસાઈ, ધીરુભાઈ ધુલિયા, દીપકભાઈ દેસાઈ, રાજેશભાઈ સેજપાલ, અરવિંદભાઈ બરછા, કોર્પોરેટર વર્ષાબેન પાંધી, નીતિનભાઈ છાગાની, કલ્પેશ ગમારા, વિજય પુનવાની, પ્રવિણભાઇ પરસાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. થેલેસેમિક બાળકો, પરિવારજનો,દાતાઓ,આમંત્રિતો માટે ગરમાગરમ સ્વાદિષ્ટ ભાવતા ભોજનિયાની વ્યવસ્થા કરવામાં આવી હતી.


