ભારતમાં પ્રાચીન-અર્વાચીન મંદિરોમાં સૌથી વધુ મંદિર તમને ભગવાન શિવજીનાં ચોક્કસથી જોવા મળશે. ભારતમાં સ્થાપિત આ પ્રાચીન-અર્વાચીન મંદિરો આજે પણ સારી સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. અલબત્ત, આ મંદિરોની કોતરણી પણ વ્યવસ્થિત જોવા મળે છે.
વધુમાં મંદિરની અંદર જોવા મળતી મૂર્તિઓ પણ સારી અવસ્થામાં જોવા મળી રહે છે. ભારતમાં આવેલાં સદીઓ જૂનાં ભગવાન શિવજીનાં મંદિરોમાં મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલા અંબરનાથના અંબરનાથ શિવમંદિરનો સમાવેશ થાય છે. મુંબઇમાં આવેલું અંબરનાથ મંદિર 11મી સદીનું ઐતિહાસિક મંદિર છે. અંબરનાથ શિવમંદિરને અંબેશ્વર શિવમંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ તેને પુરાતન શિવાલય તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંદિરનો ઈતિહાસ
11મી સદીના આ અંબરનાથ મંદિરનો મહિમા અપરંપાર છે. આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે, જેને અંબેશ્વરના નામથી પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં લગાડવામાં આવેલા શિલાલેખના જણાવ્યા અનુસાર આ મંદિરનું નિર્માણ ઈ.સ. 1060માં રાજા માંબાણિ દ્વારા કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, આ મંદિરને પાંડવકાલીન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર વિશે એવી પણ ધાર્મિક માન્યતા છે કે, આ મંદિર જેવું વિશ્વમાં ક્યાંય મંદિર નથી!
મંદિરની સ્થાપત્ય કલા
અંબરનાથ શિવમંદિર તેની અદ્વિતીય સ્થાપત્ય કલા માટે વિશ્વપ્રસિદ્ધ છે. આ મંદિરની બહાર પરસાળમાં બે નંદી (આખલા) જોવા મળે છે. તેમજ મંદિર પ્રવેશ કરતી વખતે ત્રણ મુખમંડપ જોવા મળે છે. મંદિરની અંદર ગર્ભગૃહ આકર્ષક છે. મંદિરમાં શિવલિંગ તેમજ મંદિરના ટોચના ભાગ પર ભગવાન શિવ નૃત્ય મુદ્રામાં જોવા મળે છે. આ મંદિરની કોતરણી મન મોહી લે તેવી છે અને આકર્ષક પણ છે. મંદિરના થાંભલાઓમાં પણ કલાત્મક કોતરણી જોવા મળે છે. મંદિરના ગર્ભગૃહની પાસે ગરમ પાણીના કુંડ પણ છે. તેમજ મંદિરની પાસે એક ગુફા પણ છે, જેનો રસ્તો પંચવટી સુધી જાય છે. નોંધનીય છે કે યુનેસ્કોએ પણ આ અંબરનાથ શિવમંદિરની નોંધ લીધી છે. મૂળ વલનાધ નદીના તટ પર આવેલું આ મંદિર આંબલીઓનાં વિશાળ ઝાડથી ઘેરાયેલું જોવા મળે છે.
મંદિરમાં કલાત્મક મૂર્તિઓ
મંદિરની વાસ્તુકલા તો સૌ શ્રદ્ધાળુઓને અચરજ પમાડે જ છે, પરંતુ બાહ્ય મંદિરની દીવાલો પર ભગવાન શિવજીનાં અનેક સ્વરૂપો જોવા મળે છે. ઉપરાંત આ દીવાલો પર ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય, દેવી ચંડિકા અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ કંડારેલી જોવા મળે છે. આ તમામ મૂર્તઓમાં દેવી દુર્ગાની અસૂરોને નાશ કરતી મૂર્તિ સૌથી અલગ તરી આવે છે. મંદિરની અંદર તેમજ બહાર બ્રહ્મદેવની 8 મૂર્તિઓ પણ જોવા મળે છે. વધુમાં મંદિરની આસપાસ પણ બ્રહ્મદેવની મૂર્તિઓ જોવા મળે છે, તેથી સાબિત થાય છે કે અહીં બ્રહ્મદેવની ઉપાસના પણ કરવામાં આવતી હશે.
મંદિરમાં ઉત્સવ અને મેળો
આ મંદિરમાં મોટાભાગના ધાર્મિક તહેવારો ઊજવવામાં આવે છે, પરંતુ અહીં શિવરાત્રિને ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. શિવરાત્રિના દિવસે મંદિરને તોરણ, હારથી સજાવવામાં આવે છે તેમજ વિશેષ ફૂલોથી કલાત્મક શણગાર પણ કરવામાં આવે છે. શિવરાત્રિના તહેવારે અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળો ત્રણથી ચાર દિવસ યોજાય છે, જેમાં આસપાસના રાજ્યના શ્રદ્ધાળુ લોકો ભગવાન શિવજીના દર્શનાર્થે આવતા હોય છે. શ્રાવણ માસમાં પણ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવે છે. અહીં શ્રાવણ માસમાં પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.
માત્ર એક રાતમાં મંદિર બનાવ્યું હતું
એક પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું. મહાભારતમાં જ્યારે પાંડવોને અજ્ઞાતવાસ ભોગવવાનો હતો ત્યારે તેઓએ એક રાત અહીં વિતાવી હતી. તેમણે વિશાળ પથ્થરોને કંડારીને માત્ર એક જ રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું. જોકે, આ દરમિયાન પાંડવોને એવો ભાસ થયો હતો કે કૌરવો અહીં આવી રહ્યા છે, તેથી તેઓ મંદિરને સંપૂર્ણપણે બનાવી શક્યા ન હતા અને અહીંથી નીકળી ગયા હતા. જોકે, આજે પણ આ મંદિરે પોતાની સુંદરતા ગુમાવી નથી અને આજે પણ મંદિર મજબૂત જોવા મળે છે.
કેવી રીતે પહોંચશો?
મહારાષ્ટ્ર, મુંબઇ જવા માટે દરેક રાજ્યોમાંથી સરકારી વાહનો, ખાનગી વાહનો ઉપરાંત વિમાનની સુવિધા ઉપલબ્ધ છે જ, પરંતુ જો તમે સડકમાર્ગ દ્વારા આ મંદિરે આવવા માંગતા હોવ તો અંબરનાથ મંદિર સડકમાર્ગ સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે. કલ્યાણ, ઠાણે, બદલાપુર અને કર્જતથી અંબરનાથ પહોંચવા માટે રાજ્ય પરિવહનની બસો અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે. શિવમંદિર પહોંચવા માટે ઠાણે પ્રમુખ શહેર ગણાય છે. જો તમે રેલમાર્ગે અહીં આવવા માંગતા હોવ તો અંબરનાથ એક કેન્દ્રીય રેલવે સ્ટેશન છે અને તે મુંબઇ, દાદર અને ઠાણેની સ્થાનીય ટ્રેનો દ્વારા જોડાયેલો છે. મુંબઇ અથવા મહારાષ્ટ્રની બહારના પર્યટક શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન દ્વારા પણ અહીં આવી શકે છે. જો તમે વિમાન દ્વારા અહીં આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ મુંબઇ એરપોર્ટ છે. તમે અહીંથી ખાનગી વાહનો કે સરકારી વાહનો દ્વારા મંદિર પહોંચી શકો છો.