ખોડલધામ કાગવડ અને સદજયોતા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ જોડાયા
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના ૫૯માં જન્મદિવસ નિમિતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા સદજયોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આજે સવારે શહેરના ન્યુ માયાણીનગર વિસ્તારમાં આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખોડલધામ ટ્રસ્ટના અગ્રણીઓ, કન્વીનરો, કાર્યકરો તેમજ સમાજના તમામ વર્ગમાંથી નરેશભાઇ પટેલના શુભેચ્છક રકતદાતાઓએ મોટી સંખ્યામાં રકતદાન કર્યુ હતું.
નરેશભાઇ પટેલના જન્મદિવસ નિમિતે તેમણે આપેલા પ્રાસંગિક વકતવ્યમાં જણાવ્યું હતું કે છેલ્લા 3૦ વર્ષથી સદજયોતા ટ્રસ્ટ અને બાદમાં ખોડલધામ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે મારા જન્મદિવસે સેવાભાવીઓ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં શુભેચ્છકો રકતદાન કરી સમાજને ઉપયોગી થાય છે. આ તમામ શુભેચ્છકો રકતદાતાઓનો હું આજના દિવસે હૃદયથી આભાર માનું છું. ખોડલધામના તમામ કાર્યકરો, અગ્રણીઓ, કન્વીનરોનો પણ તેમણે જન્મદિવસની શુભેચ્છા બદલ આભાર માન્યો હતો.
નરેશભાઇને શુભેચ્છા આપવા માટે સમગ્ર રાજયમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ, જેનીબેન ઠુંમર, જાણીતા ઉદ્યોગપતિ ચંદુભાઇ વિરાણી, ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ખોડલધામના મંત્રી જીતુભાઇ વસોયા, અગ્રણી હર્ષદભાઇ માલાણી સહિતના અગ્રણીઓ અને કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતાં.