- બર્થ-ડે બોય વિરાટ કોહલી ઉપર તમામની નજર રહેશે
- 65 હજાર પ્રેક્ષકો કોહલીનો માસ્ક પહેરશે
- ઇડન ગાર્ડન્સમાં બેટ્સમેન ફ્રેન્ડલી પિચ ઉપર સ્પિનર્સ પણ હાવી થઈ શકે છે
સતત સાત વિજય સાથે આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમને પોતાની યજમાનીમાં રમાતા વન-ડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાના સ્વરૂપે પ્રથમ કપરો પડકાર મળે તેવી સંભાવના છે. બંને ટોચની ટીમે વચ્ચે રવિવારે ‘ફાઇનલ પહેલાંની ફાઇનલ’ સમાન ગણાતા આ મુકાબલામાં બર્થ-ડે બોય વિરાટ કોહલી ઉપર પણ તમામની નજર રહેશે. લગભગ 65 હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળા ઐતિહાસિક
ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી આ મેચ ભારત માટે આ ટૂર્નામેન્ટનો સૌથી મોટો પડકાર રહેશે. નેધરલેન્ડ્સ સામેની એક મેચને બાદ કરતાં સાઉથ આફ્રિકાએ છ મુકાબલા જીત્યા છે અને તે રોહિતબ્રિગેડને હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરવાના તમામ પ્રયાસ કરશે. ભારતે ચેમ્પિયન તરીકેની અત્યાર સુધી રમત દાખવી છે. સેમિફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ રોહિત અને તેની ટીમ બાકીની બંને લીગ મેચમાં મોટા માર્જિનથી વિજય હાંસલ કરીને નંબર-1 સ્થાન રહેવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.
કોહલી આજે સચિનના રેકોર્ડની બરાબરી કરી શકશે?
બેટિંગમાં યજમાન ટીમ ભારત તરફથી સર્વાધિક 442 રન બનાવી ચૂકેલો કોહલી વન-ડે ક્રિકેટમાં સચિન તેંડુલકરની 49 સદીના રેકોર્ડને બરોબર કરવાનો પ્રયાસ કરશે. મુંબઇમાં શ્રીલંકા સામે તે 12 રનથી સદી ચૂકી ગયો હતો. ઇડન ગાર્ડન્સ રોહિતની પસંદગીનું ગ્રાઉન્ડ છે અને તે મોટો સ્કોર નોંધાવવાનો પ્રયાસ કરશે. રોહિતે 2014ના નવેમ્બરમાં શ્રીલંકા સામે વન-ડે ક્રિકેટનો હાઇએસ્ટ 264 રનનો સ્કોર નોંધાવ્યો હતો. સ્થાનિક એસોસિયેશન દ્વારા કોહલીનો જન્મદિવસ મનાવવામાં આવશે. સ્ટેડિયમમાં હાજર રહેનાર તમામ સમર્થકોને કોહલીના માસ્ક આપવામાં આવશે.
ભારતીય પેસ બોલર્સ શાનદાર ફોર્મમાં છે
બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પાંચથી ઓછાના ઇકોનોમી રેટ સાથે અનુક્રમે 15 અને 14 વિકેટ ઝડપી ચૂક્યા છે. શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં સિરાજે સાત ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. સ્પિનર કુલદીપ યાદવે 4.40ની સરેરાશથી 10 વિકેટ તથા જાડેજાએ 3.78ની એવરેજથી નવ વિકેટ હાંસલ કરીને ઇનિંગ્સની મધ્યમમાં હરીફ્ ટીમના રનરેટને કાબૂમાં રાખી દીધો હતો.
હેડ ટૂ હેડમાં ભારત બે તથા સાઉથ આફ્રિકા ત્રણ જીત્યું છે
વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કુલ પાંચ મેચ રમાઈ છે જેમાં સાઉથ આફ્રિકાએ ત્રણ તથા ભારતે બે જીતી છે. વન-ડેમાં ઓવરઓલ બંને ટીમ વચ્ચે રમાયેલી 90 મેચમાં ભારત 37 તથા સાઉથ આફ્રિકા 50 મેચ જીત્યું છે. ઇડન ગાર્ડન્સની પિચ સામાન્ય રીતે બેટ્સમેન ફ્રેન્ડલી રહે છે પરંતુ પાછળથી સ્પિનર્સને ટર્ન મળતો હોય છે. ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાનું વધારે પસંદ કરશે.
આફ્રિકન બોલર્સ પણ રોહિતબ્રિગેડની કસોટી કરશે
પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહેલો ક્વિન્ટન ડી કોક (545 રન)નું ફોર્મ બોલર્સ માટે માથાના દુખાવા સમાન બન્યું છે. સાઉથ આફ્રિકન ટીમ પાંચ વખત 300 પ્લસનો સ્કોર નોંધાવી ચૂકી છે. એડન માર્કરામે સાત ઇનિંગ્સમાં 362, રાસી વાન ડેર ડુસૈને સાત ઇનિંગ્સમાં 353 રન તથા હેનરિચ ક્લાસેને 315 રન બનાવ્યા છે. આફ્રિકન બોલર્સ પણ ભારતીય બેટ્સમેનોની કસોટી કરી શકે છે. માર્કો જાનસેને સાત મેચમાં સર્વાધિક 16 વિકેટ ઝડપી છે.